સુરંગી પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ ૮ કર્મચારીને બદલવાના મુદ્દે વિવાદ
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૪ ઃ સુરંગી ગ્રામ પંચાયતમાં આઉટર્સોસિંગ મારફતે ફરજ બજાવતા ૮ કર્મચારીઓને બદલવાના મુદ્દે વિવાદ વકર્યો છે. પંચાયતના સભ્યોઍ કર્મચારીઓને પરત ફરજ પર લેવાની માંગ સાથે સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. આ મામલો જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો છે અને તેમના જવાબની રાહ જોવાઈ રહી છે.
૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ કરાયેલી રજૂઆતમાં પંચાયત સભ્યોઍ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની માસિક બેઠકમાં આઉટર્સોસિંગ મારફતે કાર્યરત ઓપરેટરો અને સફાઈ કર્મચારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓમાં ફેરફાર કરવામાં આવતા સભ્યોઍ સવાલ ઉઠાવ્યો છે કે આ ૮ કર્મચારીઓને બદલવાનો નિર્ણય કોણે લીધો અને કયા આધારે લીધો ?
રજૂઆત સાથે ઓપરેટર તથા સફાઈ કામગીરી સાથે સંકળાયેલા ૮ કર્મચારીઓના નામ પણ આપવામાં આવ્યા છે. સભ્યોઍ સમગ્ર મામલે તપાસ કરી કર્મચારીઓને પરત ફરજ પર લેવા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે સ્થાનિક સ્તરે રાજકીય પક્ષપાતની ચર્ચાઍ પણ જોર પકડ્યું છે. વેલુગામના ચારેય પંચાયત સભ્યો વિપક્ષ પક્ષ સાથે જોડાયેલા હોવાથી સરપંચ દ્વારા કર્મચારીઓના મામલે પક્ષપાત કરવામાં આવી રહ્ના હોવાની ચર્ચા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહી છે. જોકે, આ આક્ષેપની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સરપંચનો પક્ષ હજુ સામે આવ્યો નથી.
નામ જાહેર ન કરવાની શરતે ઍક વોર્ડ સભ્યઍ જણાવ્યું હતું કે, મોંઘવારી અને ગરીબીના કારણે લોકો પહેલેથી જ મુશ્કેલીમાં છે. આવા સમયે પંચાયત કે કોઈપણ સંસ્થા દ્વારા લોકોનો રોજગાર છીનવવો અથવા બેરોજગારી વધારવી યોગ્ય નથી. જો કોઈ કર્મચારીની કામગીરીમાં ખામી હોય તો નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈઍ, પરંતુ યોગ્ય કારણ વિના કોઈનો રોજગાર અસરગ્રસ્ત કરવો યોગ્ય નથી.
પંચાયત સભ્યોઍ આ મુદ્દો જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર સમક્ષ પણ રજૂ કર્યો છે. હવે વહીવટી તંત્રના જવાબ બાદ જ સ્પષ્ટ થશે કે કર્મચારીઓને બદલવાનો નિર્ણય કયા સ્તરે લેવામાં આવ્યો હતો, તેનું કારણ શું હતું અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.
આ ઉપરાંત આઉટર્સોસિંગ ઍજન્સી સાથેના કરારમાં કર્મચારીઓની નિમણૂક, બદલાવ અને દૂર કરવાની પ્રક્રિયા અંગે શું જોગવાઈ છે તથા નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે, તે પણ તપાસનો વિષય બન્યો છે.
