Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

ઘરને ‘ગાંધી મંદિર’ બનાવી બાપુના વિચારોને જીવંત રાખતા વલસાડના ગાંધી પ્રેમી ધનસુખભાઈ મિસ્ત્રી

ઘરને ‘ગાંધી મંદિર’ બનાવી બાપુના વિચારોને જીવંત રાખતા વલસાડના ગાંધી પ્રેમી ધનસુખભાઈ મિસ્ત્રી


ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી
વલસાડ,તા. ૧ ઃ જન-જનમાં દયા, સદભાવ અને બંધુતાની ભાવના ઉજાગર કરનાર અને સમગ્ર દુનિયાને સત્ય, પ્રેમ, કરૂણા અને અહિંસાનો સંદેશ આપનાર વિરાટ મહામાનવ અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે તા. ૨જી ઓક્ટોબરના રોજ સમગ્ર દેશ અને વિશ્વભરના ગાંધી પ્રેમીઓ ૧૫૭મી જન્મ જંયતી ઉજવશે. આજના દિવસે લોકો ગાંધીજીના જીવન મૂલ્યોને જાળવી રાખવા અને નવી પેઢીમાં તેના મુલ્યો ઉતરે તે માટે સંકલ્પ લેશે, ત્યારે વલસાડમાં ઍક ઍવા ગાંધી પ્રેમીની વાત કરવી છે કે, જેણે પોતાની જિંદગી ગાંધીજી પ્રત્યેના આદર અને પ્રેમ માટે સમર્પિત કરી દીધી. પોતાના ઘરનું નામ પણ ‘‘ગાંધી મંદિર’’ આપ્યું. પોતાના રહેવા માટે જગ્યા ઓછી કરી અને આખા બંગલામાં તમે પ્રવેશો તો તમને ચોક્કસ ઍવી અનુભૂતિ થવા લાગે કે, તમે ગાંધી યુગમાં પ્રવેશ્યા છો.
ગાંધીજીની જન્મ જંયતી પ્રસંગે વલસાડ શહેરના સિટી પેલેસ સામે જવાહર સોસાયટીમાં બંગલા નં. ૧૦/બીમાં રહેતા પ્રખર ગાંધી પ્રેમી ધનસુખભાઈ આર મિસ્ત્રી જણાવે છે કે, અમારા બાપ દાદાના સમયથી અમારો મુખ્ય બિઝનેસ ફર્નિચર બનાવવાનો હતો, જેથી બાળપણથી મને કલા પ્રત્યે લગાવ અને જુની પુરાણી ચીજ વસ્તુઓ ભેગી કરવાનો શોખ હતો. ઍન્ટિક વસ્તુનું કલેક્શન કરતાં કરતાં થોડીક વસ્તુ મને ગાંધી બાપુની મળી ગઈ, પછી તેમાં લગાવ લાગ્યો. દેશ-વિદેશમાં ગાંધીજીના જેટલા પણ મ્યુઝિયમ હતા તેની બબ્બે-ત્રણ-ત્રણ વાર મુલાકાત કરી. કબાડી બજાર, હટવાડા અને ચોર બજારમાં ગયો, ગાંધી વંશજોને મળ્યો, વડીલોને મળ્યો. ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા સંગ્રહને વધુ સમૃદ્ધ બનાવવા દક્ષિણ આફ્રિકા સુધી પણ ગયો હતો. ગયો. આ બધી જગ્યાથી કલેક્શન કરતાં કરતાં ૩૦ વર્ષમાં તો મારી પાસે વિરાટ કલેક્શન થઈ ગયું. જેને રાખવા માટે મારી પાસે જગ્યા ન હતી. છેવટે મારા ઘરમાં રહેવા માટેની જગ્યા ઓછી કરી અને ગાંધી બાપુનું દુર્લભ કહી શકાય તેવુ કલેકશન ગોઠવવા માટે ઘરમાં જ આદર્શ ગાંધી મ્યુઝીમ બનાવ્યું છે જે હવે ‘‘ગાંધી મંદિર’’ તરીકે ઓળખાય છે.
તેઓ વધુમાં જણાવે છે કે, ગાંધીજીના વિચારો અને સિધ્ધાંતો નવી પેઢીમાં જન્મે તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને અહીં ઘણુ બધુ જાણવાનું અને શીખવાનું મળે છે. ગાંધીજીના જીવન પર પુસ્તકોની તુલનાઍ ઍકવાર ગાંધી મ્યુઝિયમની મુલાકાત લે તો તેમને બાપુ વિશે ઘણી બધી વાતો લાંબા ગાળા સુધી યાદ રહી જાય છે. અહીં ગાંધીજીના જે જે પ્રસંગ છે તેને જુદી જુદી જગ્યાઍ સંકલન કરી વ્યવસ્થિત ગોઠવ્યા છે, ઍટલે અહીં આવતા લોકોના મનમાં ગાંધીજીની વિવિધ પ્રવૃત્તિ તરત મગજમાં બેસી જાય.  ધનસુખભાઈ રાજ્ય સરકારને વિનંતી કરતા કહે છે કે, હવે મારી ઉંમર થવા આવી છે ત્યારે મારી ઍવી ઈચ્છા છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાલમાં ગાંધીજીના સાબરમતી આશ્રમનું વિસ્તરણ કરી રહ્ના છે તો મારું આ કલેક્શનને તેમાં સમાવી લે તો હું હયાત ન હોવ ત્યારે પણ આખી દુનિયા બાપુના જીવન વિશે સંદેશ મેળવે અને નવી પેઢીના બાળકો પણ ગાંધીજીની રાહ પર ચાલે ઍવી મારી ઈચ્છા છે.