ડાંગમાં બાઈક ઉછળીને ડેમ પડ્યું ઃ કિશોર ડૂબ્યો
- byDamanganga Times
- 01 October, 2026
સાપુતારા, તા.૩૦ ઃ ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર રંભાસ ગામ નજીક બુધવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે પાછળ બેઠેલો ૧૩ વર્ષીય બાળક મોટરસાયકલ પરથી ઉછળીને નજીકના ડેમના ઊંડા પાણીમાં ખાબકતાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પ્રા વિગતો મુજબ, વઘઇ તાલુકાના સુસરદા ગામનો ઍક વ્યક્તિ ૧૩ વર્ષીય બાળકને મોટરસાયકલ પર બેસાડીને વઘઇ ગયો હતો. ત્યાં પોતાનું કામકાજ પૂર્ણ કર્યા બાદ બંને મોટરસાયકલ પર બેસી પરત સુસરદા ગામ તરફ જઈ રહ્ના હતા. તે દરમિયાન વઘઇ-સાપુતારા માર્ગ પર રંભાસ ગામ નજીકના વળાંક પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી મોટરસાયકલ અચાનક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ માર્ગની બાજુમાં આવેલી ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં મોટરસાયકલ અને ચાલક ખીણમાં વાંસના ઝુંડ પાસે અટકી ગયા હતા.જોકે, મોટરસાયકલ પર પાછળ બેઠેલો બાળક ઉછળીને ખીણ નજીક આવેલા ડેમના ઊંડા પાણીમાં જઈ પડ્યો હતો. આ બનાવમાં મોટરસાયકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે ૧૩ વર્ષીય અહેમ કિશનભાઈ લહરી (રહે. સુસરદા) ડેમના ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વઘઇ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તથા સ્થાનિક તરવૈયાઓઍ ડેમના પાણીમાં ઉતરી ભારે શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.બાદમાં વઘઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વઘઇ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સમગ્ર બનાવ અંગે વઘઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
