ખેરગામની દિકરીઍ ગોવામાં દોડમાં કાંસ્યચંદ્રક મેળવ્યો
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૦ ઃ ખેરગામ તાલુકાના બહેજ પ્રા. શાળામાં અભ્યાસ કરી દોડવીર શિક્ષક ગુરુ પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમતમાં પ્રતિભાવંત બની પ્રેઝી (હાલ વ્યારામાં કદમ શાળામાં ધો. ૧૧ ભણતી)ઍ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેરગામના મિશન ફળિયાની વતની પ્રેઝી ધનસુખભાઈ આહિરે ગોવાના બામ્બોલિમ અટલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ૩૭મી વેસ્ટ ઝોન જુનિયર ઍથ્લેટિક્ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરી કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.
તા. ૨૭ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન બામ્બોલિમના અટલ ઍથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ૧૬ વય નીચેની કન્યા ના-૬૦૦ મીટર દોડમાં (ઈવેન્ટ-૧૨૮)માં પ્રેઝી ધ. આહિરે કુલ ૩,૦૬૪ પોઈન્ટ મેળવી તૃતીય સ્થાને વિજેતા થઈને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ગોવાની આર્ચી કટકરે ૩,૫૩૯ પોઈન્ટ સાથે પ્રથમ સુવર્ણચંદ્રક, જ્યારે શાયલા નાઈકે ૩,૨૫૬ પોઈન્ટ સાથે દ્વિતીય સ્થાન- રજત ચંદ્રક મેળવ્યા હતા. ગુજરાતની અન્ય દોડવીર ગવળી સ્નેહલ અનિલભાઈઍ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. નાની વયે વેસ્ટ ઝોન કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પ્રેઝી આહિરે કાંસ્ય ચંદ્રક જીતી મેળવેલ સિદ્ધિથી ખેરગામ તાલુકા સહિત સમગ્ર ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે. પ્રેઝીની આ સિદ્ધિ બદલ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા હાલ સભ્ય ભીખુભાઈ આહિર, બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ પટેલ, પરિવારજનો, આહિર સમાજ, શાળા પરિવાર, શિક્ષણજગત તથા રમતપ્રેમીઓઍ અભિનંદન પાઠવ્યા હતા. આગામી સ્પર્ધાઓમાં પણ -પ્રઝી વધુ ઉચ્ચ શિખર હાંસલ કરી ખેરગામ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
