સંઘ પ્રદેશ પ્રશાસનની ઈચ્છાશક્તિ વિના દ.ગુ.માં દારૂ બંધીનો અમલ અશક્ય
- byDamanganga Times
- 01 October, 2026
દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું મુખ્ય પ્રવેશદ્વાર સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી છે. અહીં દારૂની છૂટ હોવા સાથે દારૂ ઉત્પાદન કરતી અનેક મોટી ડિસ્ટલરીઓ આવેલી છે. ઉપરાત અન્ય પ્રાંતોમાંથી ઉત્પાદિત દારૂનો મોટો જથ્થો વેચાણ માટે આવે છે. છતાં જેટલો દારૂ સંઘ પ્રદેશમાં નથી વેચતો અને પીવાતો તેનાથી અનેક ઘણો દારૂ બંધી ધરાવતા ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચોરી છૂપે ઘૂસેડાય અને પીવાય પણ છે. દર વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે. હજારો ખેપિયાઓ, બૂટલેગરો સામે કેસ દાખલ કરવામાં આવે છે, સેંકડો વાહનો જ કરવામાં આવે છે. છતાં દક્ષિણ ગુજરાતમાં દારૂની નદી બંધ થતી નથી. હાલ દમણને અડીને આવેલા વાપી, ઉદવાડા, ભીલાડ અને દાનહને અડીને આવેલી બોર્ડર ઉપર સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા કરોડોના ખર્ચે આધુનિક ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી પરમિટ વિનાનો દારૂનો જથ્થો ગુજરાતની હદમાં ન ઘૂસે. જોકે અગાઉ પણ ચેકપોસ્ટ હતી જ, તેમ છતાં બૂટલેગરો અને ખેપિયાઓ પાસે ઍટલા કિમિયા છે કે ગમે તે રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ થાય છે.
છેલ્લા કેટલાય દશકથી દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકરણી સાથે સંઘ પ્રદેશના લોકો જોડાયેલા છે, ઍટલો જ નાતો દારૂ સાથે પણ જોડાયેલો છે.
અગાઉ ગુજરાતના ગૃહ વિભાગે નશાબંધી વિભાગ બનાવી દરેક ચેકપોસ્ટ પર માણસો ગોઠવ્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે વિભાગ જ બંધ કરવો પડ્યો હતો. દારૂની ખેપ રોકવા ચેકપોસ્ટ વિસ્તારના પોલીસ સ્ટેશનનો સ્ટાફ રોકવો પડે છે. વલસાડ જિલ્લાના વાપી ટાઉન, પારડી, ભીલાડ, ડુંગરા સહિતના મોટાભાગના પોલીસ મથકોમાં ૯૦ ટકા કેસ પ્રોહિબિશનના હોય છે. ઍટલે પોલીસનો મુખ્ય પાવર દારૂના કેસોમાં જ વપરાય છે, જેને લીધે અન્ય ગુનાઓ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. ધારોકે કોઈ પોલીસ મથકમાં ૮૦ માણસોનો સ્ટાફ છે તો તેમાંથી ૧૦ ટકાથી વધુને ચેકપોસ્ટ પર રાખવા પડે છે. બાકીનામાંથી કેટલાક દારૂ પીધેલાઓને મેડિકલ માટે, કોર્ટ કેસમાં, ક્લેરીકલ કામમાં, કસ્ટડીની દેખરેખ અને ટ્રાફિકમાં વહેંચાઈ જાય છે.
ખરેખર દક્ષિણ ગુજરાતમાં દારૂબંધી કોઈ રોકી શકે તો તે સંઘ પ્રદેશ પ્રશાસન છે કે જેની પાસે વિશાળ વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને ઍક્સાઈઝ વિભાગ છે કે જે કઈ ડિસ્ટિલરીમાંથી કેટલું ઉત્પાદન થયું, ક્યાં મોકલવાની પરમિટ છે, તેના પર બાજ નજર રાખવાની અને ઍક પણ બોટલ પરમિટ વિના પડોશી રાજ્યમાં ન જાય તે જોવાની જવાબદારી છે. સંઘ પ્રદેશ પ્રશાસનની ઈચ્છા શક્તિ વિના દક્ષિણ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે કાગારોળ નિરર્થક છે, જે વાત રાજ્યનું ગૃહ વિભાગ પણ સારી રીતે જાણે છે.
