વલસાડની કે. ઍમ. શાહ હાઈ.માં જિલ્લા કક્ષાની થાંગતા માર્શલ આર્ટ સ્પર્ધા સંપન્ન
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના ભાગરૂપે આજે તા. ૨૪/૦૯/૨૦૨૬ના રોજ શાહ ખીમચંદ મૂળજી સાર્વજનિક હાઈસ્કૂલ, વલસાડ ખાતે જિલ્લા કક્ષાની થાંગતા માર્શલ આર્ટ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા રમત અધિકારી બી.જી.વળવી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્પર્ધાની શરૂઆત શાળાના આચાર્ય જયશ્રીબેન ભગત, થાંગતા ઍસોસિઍશન ગુજરાતના મંત્રી તરુણ કુમાર, નિલેશ કોસીયા, માર્શલ આર્ટ માસ્ટર જિતેન્દ્ર રાઠોડ, શીતલબેન ત્રિગોત્રા તેમજ માર્શલ આર્ટ માસ્ટર ઍસ.કે. મિશ્રાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઍ ઉપસ્થિત તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી. ઍસોસિઍશનના મંત્રી તરુણ કુમારે થાંગતા માર્શલ આર્ટ રમતનું મહત્વ અને તેની સ્પોર્ટ્સમાં ઉપયોગિતા વિશે ખેલાડીઓને વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં થાંગતા માર્શલ આર્ટના ખેલાડીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કેટેગરીમાં જિલ્લામાં શ્રેષ્ઠ સ્થાન મેળવવા માટે કૌશલ્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. આજની આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે પછી યોજાનાર રાજ્ય કક્ષાની થાંગતા માર્શલ આર્ટ સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
