Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

વલસાડમાં ખિલખિલાટ વાનના લાભાર્થીને ઘરથી પાંચ કિમી દુર ઉતારી મુકતાં કેપ્ટન સસ્પેન્ડ

વલસાડમાં ખિલખિલાટ વાનના લાભાર્થીને ઘરથી પાંચ કિમી દુર ઉતારી મુકતાં કેપ્ટન સસ્પેન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વાંસદાની માતા અને નવજાત શિશુને તા.૨૪.૦૯.૨૦૨૬ના રોજ રજા આપ્યા બાદ ઘરે ઉતારવાને બદલે ઘરથી પાંચ કિમી દૂર અંતરે રસ્તામાં મુકી જવાની ઘટનામાં ખિલખિલાટ વાનના કેપ્ટન અંકિત બાગુલને તાત્કાલિક અસરથી સેવામાંથી નિલંબિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યો હોવાનું વલસાડ-નવસારી અને ડાંગ જિલ્લાની ૧૦૮ સેવાના પ્રોગામ મેનેજર હેમંત સોલંકી દ્વારા જણાવાયુ છે.
આ ઘટના અંગે પ્રોગામ મેનેજર હેમંતભાઈઍ વધુમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ખિલખિલાટ સેવા દ્વારા લાભાર્થીઓને અંતરિયાળ વિસ્તારમાં છેક ઘર સુધી પહોંચાડવાની સેવા આપવામાં આવે છે. હાલ જિલ્લામાં ૧૦ જેટલી ખિલખિલાટ વાન સેવામાં કાર્યરત છે. ત્યારે તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વાંસદાની માતા અને નવજાત શિશુને રજા આપ્યા બાદ લાભાર્થીને વાંસદાના ખડકીયા ગામ ખાતે આવેલા તેના ઘરે ઉતારવા માટે ખિલખિલાટ વાન નીકળી હતી પરંતુ લાભાર્થીનું ઘર આવે તે પહેલા જ પાંચ કિમી દૂર હનુમાનબારી સર્કલ ખાતે રસ્તામાં ઉતારીને ખિલખિલાટનો કેપ્ટન નીકળી ગયો હતો. આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરાતા જવાબદાર કેપ્ટન અંકીત બાગુલ કે જે, ખિલખિલાટ સેવા કચેરીમાં આશરે બે વર્ષથી કાર્યરત છે. દર્દીને અધવચ્ચે છોડી જવાની ઘટનામાં અંકિત બાગુલે પોતાની ભુલ સ્વિકારી છે અને ઘરે જવાની ઉતાવળમાં લાભાર્થીને રસ્તામાં ઉતારી દેવાની ગંભીર ભૂલ કરી હતી. જેને ધ્યાને લઇને પરિસ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને તાત્કાલીક ધોરણે સેવામાંથી નિલંબિત કરવામાં આવ્યો છે.  ૧૦૮ સેવાના વલસાડ-નવસારી અને ડાંગ જિલ્લાના પ્રોગામ મેનેજર હેમંત સોલંકીઍ વધુમાં જણાવ્યું કે, આવી બાબતમાં ગંભીર રહીને કામગીરી કરવા તમામ કર્મચારીને સજાગ કરવામાં આવ્યા છે. સેવામાં કોઇપણ બાબતની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી ઍવી કડક સુચના તમામ કર્મચારીને આપવામાં આવી છે.