Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

વલસાડમાં ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ સત્ર યોજાયું

વલસાડમાં ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ સત્ર યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા રોટરી ક્લબ ઓફ વલસાડ, રોટરેક્ટ ક્લબ ઓફ વલસાડ, ભાજપ મહિલા મોરચો વલસાડ જિલ્લો તથા વલસાડ સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ નારી – સશક્ત સમાજ’ પહેલ અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) અંગે ઍક વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ સિટી પોલીસ અને ટ્રાફિક શાખાની આશરે ૫૦ જેટલી મહિલા કોન્સ્ટેબલ્સ તથા પોલીસ કર્મી બહેનોઍ સક્રિયપણે ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા જાણીતા તબીબ ડૉ. બિનીતા પટેલે ઉપસ્થિત મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સરના કારણો, તેના જોખમો, પ્રારંભિક લક્ષણો તેમજ સમયસર સ્ક્રીનિંગ અને નિદાનના મહત્વ વિશે અત્યંત સરળ શૈલીમાં વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપ વલસાડ જિલ્લા મહિલા મોરચા તરફથી પ્રવીણાબેન તેમજ રોટેરિયન પ્રેમલબેન દ્વારા વક્તા ડૉ. બિનીતા પટેલનો પરિચય આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘સ્વસ્થ નારી – સશક્ત સમાજ’ના પ્રોજેક્ટ ચેર રોટેરિયન સનોબર શ્રોફે ઉપસ્થિત તમામ મહિલા પોલીસ કર્મીઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અપીલ કરી હતી અને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે નોંધણી કરાવવા વ્યક્તિગત રીતે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકોઍ જણાવ્યું હતું કે જાગૃતિથી સુરક્ષા, સ્ક્રીનિંગથી સમયસર સારવાર અને સ્વસ્થ નારીથી સશક્ત સમાજના સૂત્રને સાર્થક કરવા માટે આવા કાર્યક્રમો સમાજમાં મહિલાઓના ઉત્થાન અને આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સમગ્ર આયોજન સફળ બનાવવા માટે પોલીસ પ્રશાસન અને ક્લબના સભ્યોઍ જહેમત ઉઠાવી હતી.