બલીઠા અંડરપાસ પૂર્વમાં રોડ વિસ્તરણનું કામ શરૂ
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ બલીઠા અંડરપાસ તરફ જતા માર્ગના વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાઈવેથી અંડરપાસ તરફ જતા સાંકડા માર્ગને પહોળો કરી ગટરના પાઈપ નાખવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. લાંબા સમયથી આ માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો, જેને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
જોકે કામ શરૂ થતાંની સાથે જ અનેક સવાલો પણ ઉભા થયા છે. અંડરપાસમાંથી બહાર નીકળતા વાહનચાલકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ છે, કારણ કે વિસ્તરણની સાથે રોડ મરામત ક્યારે થશે તે સ્પષ્ટ નથી. ખોદકામને કારણે માર્ગ પર કાદવ કીચડ અને ખાડા પડ્યા છે, જેનાથી ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત રેલ્વે તરફ ગટર પાસે સુરક્ષા દીવાલ ક્યારે ઉભી કરવામાં આવશે તે અંગે પણ લોકોમાં ચિંતા છે. દીવાલ વિના ગટર માં વાહનો ખાબકવાનો ભય રહેલો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર માત્ર પાઈપ નાખી સંતોષ ન માને, પરંતુ રોડ લેવલિંગ, ડામરકામ અને સુરક્ષા દીવાલનું કામ પણ સાથે જ પૂર્ણ કરે જેથી અકસ્માત ટાળી શકાય.
