Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

વાપીમાં સસ્તા અનાજની દુકાનો સામે બેદરકારીની ફરિયાદો

વાપીમાં સસ્તા અનાજની દુકાનો સામે બેદરકારીની ફરિયાદો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકો અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સમયસર અનાજનો જથ્થો નહીં મળતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે લાભાર્થીઓમાં રાજ્ય સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉ ઍટલે કે વર્ષો પહેલા સસ્તા અનાજની દુકાનો નિયમિત રીતે સવારે ૮થી બપોરે ૧૨ અને ૨ સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી અને રેશનકાર્ડ ધારકોને ગમે ત્યારે અનાજનું વિતરણ કરવામાં આવતું હતું.
જોકે, હાલમાં વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અને તેની આજુબાજુના ગામડાઓમાં આવેલી સસ્તા અનાજની કેટલીક દુકાનો નિયમિત સમય દરમિયાન ખુલતી ન હોવાની તથા મહિનામાં માત્ર ચારથી પાંચ દિવસ જ દુકાનો ખોલીને અનાજનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે. સસ્તા અનાજની દુકાનોના અનિયમિત સમયને કારણે ખાસ કરીને રોજગારી માટે બહાર જતા રેશનકાર્ડ ધારકો અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ મેળવવા માટે ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દુકાન ક્યારે ખુલશે અને અનાજ ક્યારે મળશે તેની યોગ્ય માહિતી પણ લાભાર્થીઓને મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાથે અરજદારો તેમના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો પર તેમને મળતો અનાજનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલો પુરવઠો લેવા માટે જાય તો અનેક બહારના દુકાનદાર કરતા હોય છે અને ખાસ કરીને હાલમાં નેટ ખૂબ જ ધીમુ ચાલે છે તથા પુરવઠા વિભાગમાંથી હાલમાં અનાજનો જથ્થો વિતરણ નહીં કરવા માટે જણાવેલ છે તેવા અનેક કારણો રજૂ કરી રેશનકાર્ડ ગ્રાહકોને રેશન તેમને મળતું આપવામાં આવતું નથી આ મામલે વાપીના મામલતદાર કાંતિભાઈ કાતરીયા તથા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને જે દુકાનદારો નિયમોનું પાલન કરતા ન હોય તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળતા રાશનનો પુરવઠો સમયસર અને પારદર્શક રીતે મળે તે માટે પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનોની નિયમિત ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.