Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

પીપરોળના અભિનાથ દેવસ્થાનને ઇકો ટુરિઝમ ધામ તરીકે વિકસાવવાની માંગ

પીપરોળના અભિનાથ દેવસ્થાનને ઇકો ટુરિઝમ ધામ તરીકે વિકસાવવાની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૮ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ પીપરોળ ગામે આવેલા આસ્થાના કેન્દ્ર અભિનાથ દેવસ્થાન ગઢને ઇકો ટુરિઝમ ધામ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ સ્થાનિક આદિવાસી સમાજના વડીલો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આ અંગે ડો. નિરવ પટેલ, કમલેશ પટેલ સહિતના આગેવાનો અભિનાથ દેવસ્થાન વિસ્તારમાં ઍકત્ર થયા હતા અને સ્થળના વિકાસ અંગે ચર્ચા કરી હતી.
સ્થાનિક વડીલો પાસેથી મળતી માહિતી મુજબ, અભિનાથ દેવને વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા વરૂણદેવ અને વરસાદી દેવ તરીકે પણ આસ્થાપૂર્વક પૂજવામાં આવે છે. અહીં વર્ષોથી પૂજાપાઠ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ખાસ કરીને દશેરાના દિવસે અભિનાથ દેવને પાઘડી ચઢાવી વિશેષ પૂજાપાઠ કરવામાં આવે છે. માનતા રાખ્યા બાદ ધારેલું કામ પૂર્ણ થાય તેવી સ્થાનિકોની આસ્થા પણ જોડાયેલી છે.
 ખેતી સાથે પણ આ દેવસ્થાનનું વિશેષ ધાર્મિક જોડાણ હોવાનું સ્થાનિકો જણાવે છે. ખેતીનો પાક તૈયાર થયા બાદ તેનો પ્રથમ અર્પણ અભિનાથ દેવને કર્યા પછી જ તેનો ઘરવપરાશ કરવામાં આવે છે. તેવી જ રીતે રોપણી કે ખેતીની શરૂઆત પહેલાં પણ અહીં પૂજાપાઠ કરી ખેતીકામનો પ્રારંભ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે અભિનાથ દેવને વરૂણદેવ અને વરસાદી દેવ તરીકે માનવામાં આવે છે. આ સમગ્ર વિસ્તારનો યોગ્ય વિકાસ કરવામાં આવે તો ધાર્મિક આસ્થા સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળી શકે છે અને સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સ્થાનિક આગેવાનોની માંગ છે કે અભિનાથ દેવસ્થાનની આસપાસ તળાવ, ટ્રાઇબલ કલ્ચર મ્યુઝિયમ, ઉદ્યાન સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવે. સાથે પ્રવાસીઓ માટે નાસ્તાથી લઈને ભોજન અને રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળી શકે અને આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે નવી ઓળખ મળી શકે. કમલેશ પટેલે જણાવ્યું હતું કે જ્યારે આ વિસ્તારમાં વરસાદ લંબાય ત્યારે સ્થાનિકો દ્વારા અભિનાથ દેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વરસાદના આગમન સાથે આસ્થા જોડાયેલી છે. તેમના જણાવ્યા મુજબ, આ વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થાય તો કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિના સંગમને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
 સ્થાનિક આગેવાનોઍ જણાવ્યું હતું કે પીપરોળના અભિનાથ દેવસ્થાન અને આસપાસના કુદરતી વિસ્તારને વિકસાવીને પ્રવાસી ધામ અને ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારીની સાથે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને પણ નવી ઓળખ મળી શકે છે.