કાસ્ટુનિયા–કરચોંઢ વડચોંઢી ફળિયાના બિસ્માર રસ્તાથી ગ્રામજનોમાં રોષ
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૭ ઃ વનબંધુ કલ્યાણ યોજના અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિવિધ રોડ-રસ્તાના નોન-પ્લાન રિસરફેસિંગ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કાસ્ટુનિયા મુખ્ય રસ્તાથી પ્રાથમિક શાળા થઈ કરચોંઢ વડચોંઢી ફળિયા સુધીના આશરે ૧ કિલોમીટર માર્ગ માટે રૂ. ૫૫ લાખના ખર્ચે ડામર રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે માર્ગને મંજૂરી મળ્યા બાદ પણ છેલ્લા કેટલાય સમયથી રસ્તાનું કામ શરૂ ન થતાં આ માર્ગ પરથી પસાર થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, રસ્તાનું કામ વહેલી તકે શરૂ થાય તે માટે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ હોદ્દેદારોને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓને પણ મૌખિક રીતે જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ રોજિંદી અવરજવર કરતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ગ્રામજનોનું કહેવું છે કે માર્ગને મંજૂરી મળ્યા બાદ પણ કામમાં વિલંબ કેમ થઈ રહ્ના છે તે અંગે સંબંધિત તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને મંજૂર થયેલા માર્ગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો વહેલી તકે રસ્તાનું કામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
