વાપી પંથકમાં કંટ્રોલનું અનાજ હલકી કક્ષાનું આવતું હોવાની બૂમ
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી પંથકમાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી વિતરણ થતું અનાજ હલકી કક્ષાનું આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. લાભાર્થીઓના જણાવ્યા અનુસાર પહેલા લૂઝ ચણા સડેલા અને ખાવા લાયક ન આવતા હતા. રજૂઆતો બાદ પેકેટમાં ચણા આવવા લાગતા લોકોને રાહત મળી હતી, પરંતુ હવે ઘઉંના જથ્થાને લઈને નવો વિવાદ સર્જાયો છે.
ગ્રાહકોનો આક્ષેપ છે કે મળતા ઘઉંમાં ઘઉં કરતાં ભૂસું વધારે હોય છે અને ઘઉં પણ હલકી કક્ષાના, કાળા પડી ગયેલા હોય છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોમાં ઍવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે કે ગોડાઉનમાંથી સારો જથ્થો બારોબાર વેચી મારવામાં આવે છે અને હલકું અનાજ દુકાનો સુધી પહોંચાડવામાં આવે છે. તંત્ર દ્વારા જથ્થાની ગુણવત્તાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
