વિસર્જન પછી શ્રીજી વિસરાયા!
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, વલસાડ, તા. ૨૭ ઃ ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ વાપીના દમણગંગા નદી કિનારે પણ વિસર્જન કરવામાં આવેલી શ્રીજીની અસંખ્ય પ્રતિમાઓ રઝળતી હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
વાપી, જીઆઈડીસી તથા આસપાસના વિસ્તારોમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. દોઢ દિવસથી લઈને ૧૧ દિવસ સુધી પૂજા-અર્ચના કર્યા બાદ ભક્તોઍ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી. જોકે વિસર્જન બાદ નદી કિનારે અને કૃત્રિમ તળાવના આસપાસ પ્રતિમાઓની આવી સ્થિતિ જોવા મળતા સ્વચ્છતા અને પર્યાવરણ અંગે પણ સવાલો ઊભા થયા હતા. આ દરમિયાન આજે રવિવારે ક્લિનઅપ ઈન્ડિયાની ટીમ દમણગંગા વીયર ડેમ અને આસપાસના વિસ્તારમાં પહોંચી હતી. ટીમે નદી કિનારે તથા કૃત્રિમ તળાવની આસપાસ રઝળતી પડેલી શ્રીજીની પ્રતિમાઓને ઍકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. ક્લિનઅપ ઈન્ડિયાના હેમંતભાઈ પાટીલના જણાવ્યા મુજબ તેમની ટીમ દ્વારા ઍકત્ર કરવામાં આવેલી પ્રતિમાઓને યોગ્ય રીતે સાચવી ને નદીના કિનારે સુરક્ષિત રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં નદીમાં ફરીથી વિસર્જન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે
જયારે વલસાડથી પ્રા માહિતી પ્રમાણે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશોમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસ સુધી પૂજા-અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ અનંત ચતુર્દશીઍ ભક્તોઍ વાજતે-ગાજતે તેમજ અશ્રુભીની આંખે લાડીલા બાપાને ઔરંગા નદીમાં વિસર્જિત કર્યા હતા. જોકે, વિસર્જનના બીજા દિવસે વલસાડ અને વાપીથી સામે આવેલા દ્રશ્યોઍ ગણેશભક્તો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. વલસાડથી પ્રા માહિતી પ્રમાણે વિસર્જન બાદ ઔરંગા નદીના કિનારે મોટી સંખ્યામાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ યથાવત્ સ્થિતિમાં તથા ખંડિત અવસ્થામાં તરતી અને કાંઠે પડેલી જોવા મળી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને જાગૃત નાગરિકો અને સંગઠનો દ્વારા આ બાબતે ધાર્મિક લાગણી જાળવવા ગણેશ મંડળના આયોજકોને વિશાળ મૂર્તિઓના બદલે ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ જ સ્થાપિત કરી ઉત્સવની પવિત્રતા જાળવી રાખવા અનુરોધ કરાયો છે.
