ઉમરગામ ન.પા. ગાંધી સદનમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ઍક જ સ્થળેથી વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોનો નિકાલ થાય, અરજદારોનો સમય બચે અને કચેરીઓમાં કામનું ભારણ ઘટે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
તેના ભાગરૂપે ઉમરગામ નગરપાલિકા વિસ્તારના ગાંધી સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવની ઉપસ્થિતિ રહી હતી. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.
નગરપાલિકા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાના માર્ગદર્શન હેઠળ અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમની અરજીઓનો તાકીદે નિકાલ થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ઉમરગામ નગરપાલિકા વિસ્તારના ૭૦૦થી વધુ અરજદારોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે કમી કરવા, વીજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગને લગતી વિવિધ કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જન્મ પ્રમાણપત્ર, લગ્ન પ્રમાણપત્ર સહિતના જરૂરી પ્રમાણપત્રો પણ અરજદારોને સ્થળ પર જ આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઍક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. અરજદારોને લાંબી પ્રક્રિયા અને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે રીતે સ્થળ પર જ પ્રશ્નોના નિકાલ સાથે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.
નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા મંત્રને અનુસરી ઉમરગામ શહેર ભાજપ તથા ચૂંટાયેલા કોર્પોરેટરો નગરજનોની સુવિધા અને સ્થાનિક વિસ્તારના પ્રશ્નોના નિકાલ માટે સતત કામગીરી કરી રહ્ના છે.
કાર્યક્રમમાં ઉમરગામના નગરજનો, ભાજપના કાર્યકરો તથા વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા
