ધરમપુરમાં બાપ્પાને ભારે હૈયે ભાવભીની વિદાય
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૫ ઃ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનંત ચતુર્દશીના પાવન દિવસે ધરમપુરમાં ગણેશજીની પ્રતિમાઓનું વિના વિઘ્ને અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ સાથે ગણેશ મંડળોના ભક્તોઍ બાપ્પાને ભારે હૈયે ભાવભીની વિદાય આપી હતી. ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર ગણેશ વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રાઓના કારણે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. ત્રણ દરવાજાથી ગાર્ડન રોડ, દસોંદી ફળિયું, ગાંધીબાગ, મોટા બજાર, પ્રભુ ફળિયા અને આસુરા ઝાંપા થઈ આસુરા વાવ ચોકડી સુધી ગણેશ મંડળોની શોભાયાત્રાઓ પસાર થઈ હતી. ઢોલ-નગારાં, ડીજે અને સંગીતના તાલે વિવિધ ગણેશ મંડળોના ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ગણેશ મંડળોના ભાવિક ભક્તોઍ રંગબેરંગી ટી-શર્ટ પહેરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. યુવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તોઍ બાપ્પાના જયઘોષ સાથે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આસુરા વાવ ચોકડીથી વિવિધ ગણેશ મંડળો વિસર્જન સ્થળ તરફ આગળ વધ્યા હતા. કેટલાક મંડળો દ્વારા બામટી નદી, જ્યારે કેટલાક મંડળો દ્વારા માન નદી તેમજ પાર નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાની વિદાય સમયે ભક્તોની આંખોમાં ભક્તિ સાથે ભાવુકતાના આંસુ પણ જોવા મળ્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પી.આઈ. ઍન. ઝેડ. ભોયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓઍ સમગ્ર વિસર્જન રૂટ અને વિસર્જન સ્થળો પર સતત નિઘરાણી રાખી હતી.
દરમિયાન ધરમપુરના મામલતદાર ઍચ.ઍમ. ધોળીયા પણ વિસર્જન સ્થળોઍ પહોંચ્યા હતા અને સમગ્ર વ્યવસ્થાની મુલાકાત લીધી હતી. પોલીસ અને વહીવટી તંત્રની તકેદારી વચ્ચે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
અંતે ‘ગણપતિ બાપ્પા મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા’ના ગગનભેદી નાદ સાથે ધરમપુરના ગણેશ મંડળોઍ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી. ભક્તિ અને ઉત્સાહથી ભરેલી આ શોભાયાત્રાઓઍ ધરમપુરમાં ગણેશોત્સવની યાદગાર પૂર્ણાહુતિ કરાવી હતી.
