વલસાડમાં યુપીના પીઍસઆઈ સહિત ચાર સામે ગુનો દાખલ
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા.૨૪ ઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ઍક યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ વલસાડ લાવી તેની હત્યા કરી નાખવાના ચકચારી કેસમાં કોર્ટના આદેશ બાદ અંતે વલસાડ સિટી પોલીસ મથકે મુખ્ય આરોપી સહિત ચાર પરિવારજનો તેમજ તપાસમાં બેદરકારી દાખવનાર ઍક પી. ઍસ. આઈ. સામે હત્યા, અપહરણ અને ઍટ્રોસિટી ઍક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોîધવામાં આવ્યો છે.
યુપીના બડહલગંજ થાણા વિસ્તારના પારસિયા તિવારી રહીશ હરિકેશ અભિરાજની પુત્રી ગુંજાને તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ આરોપી સની હરિલાલ જયસ્વાલ લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ અંગે પરિવારજનોઍ સ્થાનિક બડહલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ધક્કા ખાધા હોવા છતાં, પોલીસે આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી માત્ર નામપૂરતી ફરિયાદ નોંધી કોઈ કડક પગલાં લીધા નહોતા. દરમ્યાન યુવતીઍ ફોન પર પોતાના પિતાને આરોપીઓ દ્વારા મારપીટ કરાતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાની જાણ કરી મદદ માંગી હતી. ગત તા. ૨૭/૧૦/૨૦૨૫ના રોજ યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાની જાણ પિતાને થઈ હતી. આ બનાવ વલસાડ ખાતે બન્યો હોવાથી પિતા દોડી આવ્યા હતા, જ્યાં ભાષા ન જાણતા હોવાનો ગેરલાભ ઉઠાવી પોલીસે તેમની સહીઓ કરાવી યુવતીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવી દીધાનો પિતાઍ આક્ષેપ કર્યા હતાં. કોઈ સાંભળવામાં ન આવતા આખરે પીડિત પિતાઍ ગોરખપુર સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. કોર્ટે આ ગંભીર બાબતની નોંધ લઈ તાત્કાલિક ઍફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ વલસાડ સિટી પોલીસે સની હરિલાલ જયસ્વાલ, હરિલાલ રામનાથ જયસ્વાલ, દ્રૌપદી હરિલાલ જયસ્વાલ, સત્યમ હરિલાલ જયસ્વાલ તેમજ ગોરખપુરના તત્કાલીન તપાસ અધિકારી પ્રિતેશ તિવારી વિરુદ્ધ હત્યા અને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ચકચારી કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ને સોંપવામાં આવી છે.
