વલસાડમાં રહેણાંક મિલકતોના કોમર્શિયલ ઉપયોગ સામે કડક કાર્યવાહીની માંગ
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ રહેણાંક વિસ્તાર કે રહેણાંક હેતુ માટે મંજૂર થયેલી મિલકતોનો અનધિકૃત રીતે કોમર્શિયલ હેતુ માટે થતા ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટે આપેલા કડક આદેશના પગલે વલસાડમાં પણ હિલચાલ તેજ બની છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ આવી ગેરકાયદે મિલકતો સીલ કરવાના આદેશના સંદર્ભે વલસાડ નગરપાલિકાના કાયદા સમિતિના અધ્યક્ષ નિતેશ ઍમ. વશી દ્વારા ચીફ ઓફિસર તથા પ્રમુખને લેખિત પત્ર પાઠવી તાકીદે કાયદેસર પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
વલસાડ નગરપાલિકા વિસ્તાર સહિત અબ્રામા-મોગરાવાડી જેવા નવા વિકસતા વિસ્તારોમાં ખેતીની જમીન પર કોઈપણ પ્રકારની ઍન.ઍ. પરવાનગી લીધા વિના દુકાનો, ગોડાઉન, ઓફિસો, શોરૂમ, હોટલ અને વર્કશોપ જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.આ ઉપરાંત, અનેક મિલકતોમાં રહેણાંક બાંધકામની પરવાનગી મેળવી તેના ગ્રાઉન્ડ ફલોર કે આખી મિલકત પર કાયદા વિરુદ્ધ ક્લિનિક, ઓફિસ કે ગોડાઉન ખોલી દેવામાં આવ્યા છે.
રજૂઆતમાં ગંભીર મુદ્દાઓ ઉપસ્થિત કરતા જણાવાયું છે કે, ઘણી મિલકતો પાસે બાંધકામ પરવાનગી કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે આકારણી કરી દેવામાં આવી છે. વાસ્તવિક ઉપયોગ કોમર્શિયલ હોવા છતાં રહેણાંક મુજબ ટેક્સ લેવાતા પાલિકાની તિજોરીને ભારે આર્થિક નુકસાન થઈ રહ્નાં છે। તેમજ ફાયર ઍનઓસી, ટ્રેડ લાઇસન્સ અને પૂરતા ર્પાકિંગ વગર ચાલતી આવી વ્યાપારી પ્રવૃત્તિઓને લીધે જાહેર રસ્તાઓ પર ટ્રાફિક જામ, ર્પાકિંગની સમસ્યા, ઘોંઘાટ અને ડ્રેનેજ-સફાઈના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આગામી સામાન્ય સભામાં ડિટેલ રિપોર્ટ રજૂ કરવા માંગ કરવામાં આવશે તેવી શક્યતા છે.
