કપરાડા-ટુકવાડા પીઍચસીને માત્ર ૨૪ કલાકમાં જ ૧૦૮ની ફાળવણી
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૪ ઃ કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તાર ના ટુકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘૧૦૮ ઇમરજન્સી ઍમ્બ્યુલન્સ’ સેવા શરૂ થતાં સ્થાનિક રહીશોમાં રાહત અને આનંદની લાગણી પ્રસરી છે, ટુકવાડા પી.ઍચ.સી. ખાતે અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપી સારવાર માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત રહેતી હતી. આ સુવિધાના અભાવે ગંભીર કિસ્સાઓમાં છેક સેલવાસથી ઍમ્બ્યુલન્સ બોલાવવી પડતી હતી, જેના કારણે સમયનો વ્યય થતો અને દર્દીઓનું જીવન જોખમમાં મુકાતું હતું તાજેતરમાં વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલના કપરાડા પ્રવાસ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોઍ આ ગંભીર સમસ્યા અંગે તેમનું ધ્યાન દોર્યું હતું.
પ્રજાના પ્રશ્નોને હમેશાં પ્રાથમિકતા આપતા સાંસદઍ સ્થળ પરથી જ વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી ટુકવાડા માટે તાત્કાલિક ઍમ્બ્યુલન્સ ફાળવવા કડક સૂચના આપી હતી,સાંસદની અસરકારક રજૂઆત અને વહીવટી તંત્રની ત્વરિત કામગીરીના પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ૨૪ કલાકની અંદર ટુકવાડા પી.ઍચ.સી. માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સ મંજૂર કરી કાર્યરત કરી દેવામાં આવી છે.
લોકપ્રશ્નનો ઝડપી નિકાલ લાવવા બદલ ટુકવાડા અને આસપાસના ગ્રામજનોઍ સાંસદ ધવલભાઈ પટેલ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
