Damanganga Times.

Damanganga Times.

September 24, 2026

ચલા અટલ ઉદ્યાનનું કામ પૂર્ણતાના આરે, નવરાત્રીમાં ખુલ્લું મુકાય તેવી શક્યતા

ચલા અટલ ઉદ્યાનનું કામ પૂર્ણતાના આરે, નવરાત્રીમાં ખુલ્લું મુકાય તેવી શક્યતા


(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ કોરોના મહામારી દરમિયાન વાપી મનપા વિસ્તારમાં આવેલા લખમદેવ તળાવ, ડુંગરા તળાવ અને ચલા સ્થિત અટલ ઉદ્યાનની નિયમિત જાળવણી ખોરવાતા આ સ્થળો ધીમે ધીમે વેરાન બન્યા હતા. ગાર્ડન અને તળાવની માવજત પાછળનો ખર્ચ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે મોટો પડકાર બન્યો હતો. જેને ધ્યાનમાં રાખી વાપી મહાનગરપાલિકાની વર્તમાન બોડી તથા વહીવટી તંત્ર દ્વારા આ ત્રણેય સ્થળોને ફરીથી લોકઉપયોગી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાપીની જાણીતી મેરી લાઈફ સાયન્સ કંપની દ્વારા ઘ્લ્ય્ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ આ ત્રણેય સ્થળોના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ત્રણેય સ્થળોઍ નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ચલા ખાતે આવેલું અટલ ઉદ્યાનનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે.
ચલા અટલ ઉદ્યાનમાં અગાઉ સાઈકલ ટ્રેક, વોટર બોડી, ડેવલપમેન્ટ લેક, લેક ફ્રન્ટ ગેલેરી, જોગિંગ ટ્રેક, બોટિંગ, ચિલ્ડ્રન પ્લે ઍરિયા, યુટિલિટી ઍરિયા તેમજ લેન્ડસ્કેપ ગાર્ડન સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત ગાર્ડન પરિસરમાં વીજ ઉત્પાદન માટે ખાસ પ્રકારના ચાર જેટલા વીજ ઉત્પાદનના વૃક્ષો પણ બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન વાપી નગરપાલિકા કાર્યરત હતી ત્યારે ચલા તળાવના નવીનીકરણ માટે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૭-૧૮માં આ સ્થળને વાપીની જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો ફરવા અને વિવિધ સુવિધાઓનો લાભ લેવા આવતા હતા. જોકે, કોરોના મહામારી બાદ ગાર્ડનની નિયમિત જાળવણી અને માવજતનો ખર્ચ પાલિકા માટે પડકારરૂપ બન્યો હતો. પરિણામે તત્કાલીન વહીવટી તંત્ર દ્વારા ગાર્ડનને ખાનગી સંસ્થા મારફતે જાળવણી માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ પર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અપેક્ષિત રીતે જાળવણી ન થતાં ગાર્ડનની સ્થિતિ કથળતી ગઈ અને લોકોની અવરજવર પણ ઘટી હતી. હવે વાપી નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ આ ત્રણેય સ્થળોને ફરીથી લોકઉપયોગી અને આકર્ષક બનાવવા માટે ઘ્લ્ય્ હેઠળ રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચલા અટલ ઉદ્યાનમાં આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણનું કામ અંતિમ તબક્કામાં છે. સ્થાનિક અને ર્મોનિંગ અને ઇવનિંગમાં વોકિંગ માટે આવતા લોકોમાં ચર્ચા મુજબ નવરાત્રી દરમિયાન આ ગાર્ડનને ફરીથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. જો આમ થશે તો લાંબા સમય બાદ ચલા અટલ ઉદ્યાન ફરી ઍક વખત વાપીની જનતા માટે હરવા-ફરવા, કસરત અને મનોરંજનનું આકર્ષક સ્થળ બની રહેશે.