વાપીમાં કંડકટરની આપઘાતની ધમકી સામે પોલીસ ફરિયાદ
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી ઍસટી ડેપોના કંડક્ટર દ્વારા સોશિયલ મીડિયામાં આપઘાતની ધમકી સાથે વીડિયો વાયરલ કરી અધિકારીઓને બદનામ કરવાના મામલે વાપી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેકટરોઍ વાપી ટાઉન પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે.
ઍસટી ટ્રાફિક ઇન્સ્પેકટર અરુણભાઈ ઍમ. પટેલ સહિત ત્રણ અધિકારીઓઍ કરેલી લેખિત ફરિયાદ મુજબ કંડક્ટર કિશોર અર્જુનભાઈ પાટીલ, બેજ નં.૨૩૦૧, રહે. સુરત તા.૨૫/૦૮/૨૦૨૬ થી ગેરહાજર છે અને નશાની આદત ધરાવે છે. તા.૧૯/૦૯/૨૯૨૬ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર આપઘાત કરશે તેવા વીડિયો મૂકી અધિકારીઓને બદનામ કર્યા છે.
ગત તા.૧૦/૧૦/૨૦૨૫ના રોજ ઉધના બસ સ્ટેશને પણ તેણે ધાંધલ કરી હતી, જે અંગે ફરિયાદ થતા તેની બદલી વાપી કરાઈ હતી. જો તે કોઈ અઘટિત કૃત્ય કરશે તો પોતે જવાબદાર રહેશે તેમ જણાવી કાર્યવાહીની માંગ કરાઈ છે.
