જિલ્લામાં રિયલ ઍસ્ટેટની કામગીરી ઠપ થતાં વલસાડ ક્રેડાઈની રાવ
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃસમગ્ર રાજ્યમાં સિટી સર્વે અને જમીન દફતર શાખાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરતા વહીવટી તંત્રનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આ હડતાળના કારણે રિયલ ઍસ્ટેટ, ઔદ્યોગિક ક્ષેત્ર અને સામાન્ય જનજીવન પર પડેલી ગંભીર અસરોને ધ્યાને રાખીને વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ ઍસ્ટેટ ડેવલપર્સ ઍસોસિઍશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સુખદ ઉકેલ લાવવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે. ઍસોસિઍશન દ્વારા મુખ્યમંત્રીને મોકલાવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ આ હડતાળને પગલે રાજ્યના આર્થિક વિકાસ અને જનહિતને મોટો ફટકો પડ્યો છે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે જરૂરી માપણી શીટ, સિટી સર્વે નકશા, પ્રોપર્ટી કાર્ડ અપડેટ, ટાઇટલ ક્લિયરન્સ તથા ફખ્ સંબંધી દસ્તાવેજી કામગીરી અટકી પડતાં પ્લાન પાસિંગ અને પરમિશન રોકાઈ ગઈ છે. પરિણામે નવા પ્રોજેક્ટ્સ સમયસર શરૂ કે પૂર્ણ થઈ શકતા નથી. ઘર કે દુકાન ખરીદવા ઈચ્છતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રોપર્ટી કાર્ડ અને માપણી અહેવાલ ન મળવાને કારણે બેંકોમાંથી હોમ લોન કે મોર્ગેજ મંજૂર થવામાં ભારે અડચણો ઊભી થઈ છે. આ ઉપરાંત વારસાઈ નોંધ, હક્ક કમી, વહેંચણી અને બક્ષિસ દસ્તાવેજોના કામો પણ અટવાઈ પડ્યા છે. બાંધકામ ક્ષેત્ર સ્થગિત થવાથી તેની સાથે સંકળાયેલા કડિયા, સુથાર, પ્લમ્બર, ટ્રાન્સપોર્ટર્સ, નાના વેપારીઓ અને સામગ્રી સપ્લાયર્સનું કામકાજ ધીમું પડી ગયું છે. નવી સાઇટો શરૂ ન થતાં દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતા લાખો શ્રમિક પરિવારો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે.
નવા ઔદ્યોગિક ઍકમો માટે જમીન માપણી, સીમાચિહ્નોની ખાતરી, લે-આઉટ વેરિફિકેશન કે ટાઇટલ વેરિફિકેશન સમયસર ન થવાથી રાજ્યમાં આવનારા નવા મૂડીરોકાણ અને ઔદ્યોગિક વિકાસની ગતિ મંદ પડી ગઈ છે.
દસ્તાવેજ રજિસ્ટ્રેશન, નકશા ફી, માપણી અરજીઓ અને વિવિધ પ્રીમિયમ વસૂલાત ખોરવાઈ જતાં સરકારની તિજોરીને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે મળતી કરોડો રૂપિયાની મહેસૂલી આવકનું મોટું નુકસાન થઈ રહ્નાં છે.
રાજ્ય અને પ્રજાના વ્યાપક હિતમાં સરકારે કર્મચારી સંગઠનો સાથે ત્વરિત અને સકારાત્મક સંવાદ સાધીને તેમની વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક સુખદ અંત લાવવો જોઈઍ, જેથી સિટી સર્વે અને જમીન દફતરની અટકેલી તમામ કામગીરી પુનઃ શરૂ થઈ શકે અને સામાન્ય નાગરિકો તેમજ વેપાર જગતને રાહત મળે તેવી ઍસોસિઍશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
