Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

વલસાડની સરકારી ઇજનેરી કોલેજનાં બે પ્રાધ્યાપકોઍ લદ્દાખ મેરેથોન પૂર્ણ કરી

વલસાડની સરકારી ઇજનેરી કોલેજનાં  બે પ્રાધ્યાપકોઍ લદ્દાખ મેરેથોન પૂર્ણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ વલસાડની સરકારી ઇજનેરી કોલેજના મિકેનિકલ ઍન્જિનિયરિંગ વિભાગના બે પ્રાધ્યાપકો પ્રો. વિમલ ઍસ. પટેલ અને ડૉ.શિરીષ કે.પટેલે વિશ્વની પડકારજનક હાઈ-ઍલ્ટિટ્યુડ મેરેથોનમાંની ઍક ઍવી લદ્દાખ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. લગભગ ૧૧,૫૦૦ ફૂટની ઊંચાઈ પર યોજાતી આ મેરેથોનમાં ઓછા ઓક્સિજનનું પ્રમાણ, ઊંચાઈવાળું કઠિન ભૂપ્રદેશ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે દોડવીરોની શારીરિક ક્ષમતા સાથે માનસિક મજબૂતી, ધૈર્ય અને સતત પ્રયત્નોની પણ કસોટી થાય છે.
પ્રો. વિમલ ઍસ. પટેલે ૪ કલાક ૧૧ મિનિટ ૦૪ સેકન્ડમાં, જ્યારે ડૉ. શિરીષ કે. પટેલે ૫ કલાક ૩૭ મિનિટ ૩૬ સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરી હતી. નિયમિત તાલીમ, શિસ્ત, સખત મહેનત, દૃઢ નિડ્ઢય અને સતત પ્રયત્નોના પરિણામે બંને પ્રાધ્યાપકોઍ આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી મિકેનિકલ ઍન્જિનિયરિંગ વિભાગ તેમજ સમગ્ર કોલેજ પરિવારમાં ગૌરવની લાગણી પ્રસરી છે. બંને પ્રાધ્યાપકોઍ આ સફળતા માટે સરકારી ઇજનેરી કોલેજ, વલસાડના આચાર્ય ડૉ. વિજય ડી. ધીમાન તથા સમગ્ર કોલેજ પરિવારનો સતત પ્રોત્સાહન, સહયોગ અને પ્રેરણા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રાધ્યાપકોને વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરતું વાતાવરણ પૂરું પાડવા બદલ આચાર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.  બંને પ્રાધ્યાપકોની આ સિદ્ધિ વિદ્યાર્થીઓ અને સહકર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમણે સાબિત કર્યું છે કે દૃઢ નિડ્ઢય, ધૈર્ય, શિસ્ત અને સતત પ્રયત્નો દ્વારા કોઈપણ મુશ્કેલ પડકારને સફળતાપૂર્વક પાર કરી શકાય છે.