વલસાડની રક્તદાન શિબિરમાં ૮૩ યુનિટ રકત ઍકત્ર કરાયું
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ ગણેશ ઉત્સવની ઉજવણી સાથે માનવસેવાનો ઉમદા સંદેશ આપવાના હેતુથી વલસાડમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અનાવિલ પરિવાર વલસાડ, મિલર ગ્રુપ–હાલર તથા લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડના સંયુક્ત ઉપક્રમે અંકુર ઍપાર્ટમેન્ટ, વશી ફળિયા, હાલર, વલસાડ ખાતે આ સેવાયજ્ઞ યોજાયો હતો. રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. ઍચ. વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્ના હતા. શિબિરમાં અનાવિલ પરિવાર,મિલર ગ્રુપ અને લાયન્સ ક્લબ ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્ના હતા અને રક્તદાન કરી સેવાયજ્ઞમાં સહભાગી બન્યા હતા. શિબિર દરમિયાન કુલ ૮૩ યુનિટ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા દરેક રક્તદાતાને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોઍ રક્તદાનના મહત્વ અંગે જણાવ્યું હતું કે, ઍક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ રક્તદાન કોઈ જરૂરિયાતમંદ દર્દીના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે. ગણેશ ઉત્સવની ઉજવણી સાથે માનવસેવાને જોડતી આ પહેલને સમાજમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આયોજક સંસ્થાઓ દ્વારા શિબિરને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓ, મહાનુભાવો, અનાવિલ પરિવારના સભ્યો, યુવાનો, સહયોગીઓ અને સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
