ગણદેવીનાં મેîધર-કલમઠાનાં ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરાયા
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૧ ઃ ગણદેવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિનાનાં ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી, મામલતદાર તથા સંબંધિત અધિકારીઓની ટીમ દ્વારા મેંધર અને કલમઠા ગામે અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મેંધર ગામે આશરે ૧૦,૦૦૦ ચોરસ મીટર તથા કલમઠા ગામે આશરે ૩,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અનધિકૃત ઝીંગા તળાવો તથા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આમ, બંને ગામોમાં કુલ આશરે ૧૩,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે અનધિકૃત બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ સરકારી જમીન ઉપરના દબાણો સામે તપાસ અને કાર્યવાહીનો દોર યથાવત્ રાખવામાં આવશે.
