વાપીમાં ભંગારના ધંધાની અદાવતમાં બે જુથ વચ્ચે સળિયા ઉછળ્યા
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૧ ઃ વાપીના મોરાઈ કરવડ ઍક્સપ્રેસ હાઈવે પાસે સ્ક્રેપના ધંધાની અદાવતમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદી આદમ અકરમ મન્સુરી ઉ.વ.૨૮, રહે. છીરી ગલા મસાલા, મદર કોમ્પ્લેક્સ, વાપી અને તેના ચચેરા ભાઈ નસીમ અસલમ મન્સુરી બંને નાની તંબાડી પરમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે. ગત તા.૧૯/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યે તેઓ મોપેડ પર ઘરે જતાં હતાં. ત્યારે આરોપી ઉબેદ ઉલ્લા ઉર્ફે બબર અબ્દુલહે ખાન (રહે. સી.ટાઈપ મસ્જિદ પાછળ, ગ્રીન પાર્ક સો. વાપી) ઍ તેની ફોરવ્હીલ કારથી ઓવરટેક કરી દરવાજો ખોલતા બંને નીચે પટકાયા હતાં.
બાદમાં આરોપી અને તેના અજાણ્યા મિત્રઍ જાહેરમાં ગાળો આપી લોખંડના પાઇપ વડે બંનેને હાથ-પગમાં ફટકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતાં. ભાવ વધારો કરી ગ્રાહકો તોડવાના ઝઘડામાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના સામી ફરિયાદમાં ઉબેદ ઉલ્લા અબ્દુલહે ખાન (ઉ.વ.૩૩, રહે. ગ્રીન પાર્ક સો. સી-૫૦૧, વાપી)ઍ જણાવ્યું કે, તા.૧૯/૦૮/૨૦૨૬ના રોજ બપોરે તેઓ મિત્ર મહેબુબ અલીખાનની કાર લઈ સેલવાસ કામ અર્થે ગયા હતા. રાત્રે ૯ વાગ્યે કરવડ ઍક્સપ્રેસ હાઈવે પાસે પરત ફરતા હતાં. ત્યારે આદમ મન્સુરી અને નસીમ મન્સુરી (રહે. વાપી)ઍ મોપેડથી તેમની કાર રોકાવી હતી. આરોપ છે કે બંનેઍ કોલર પકડી ગાળો આપી ઢીક મુક્કીનો મારમાર્યો હતો અને આદમ મન્સુરીઍ લાકડા વડે કમર અને ડાબા પગના પંજા પર ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉમરગામની કંપનીઓમાંથી વધુ પૈસા આપી સ્ક્રેપ ખરીદવાના વિવાદમાં હુમલો થયાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્તને ઓલીવ હોસ્પિટલના ત્ઘ્શ્માં દાખલ કરાયો છે.
