Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

વલસાડમાં ‘પુડચ્યા વર્ષી લવકર યા’ ના નાદ સાથે શ્રીજીનું વિસર્જન

વલસાડમાં ‘પુડચ્યા વર્ષી લવકર યા’ ના નાદ સાથે શ્રીજીનું વિસર્જન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશોત્સવ અંતર્ગત ગણેશ  વિસર્જન ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું હતું. બપોરે ૨ વાગ્યા બાદ  શહેર તથા ગ્રામ્ય માર્ગો પર ડીજેના તાલ, ઢોલ-નગારાના નાદ અને ગુલાલની છોળો વચ્ચે વાજતે-ગાજતે શ્રીજીની વિસર્જનયાત્રાઓ નીકળી હતી. વલસાડ શહેર નજીક ના, હનુમાનભાગડા અને લીલાપોર વિસ્તારમાંથી નીકળેલી વિસર્જન યાત્રાઓ ઔરંગા નદીના તટે પહોંચી હતી, જ્યાં વિધિવત પૂજા-અર્ચના બાદ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, કૈલાશ રોડ પરથી પસાર થતી વાંકી નદી માં ધમડાચી, વેજલપોર, ગુંદલાવ તેમજ વશીયર, નાનકવાડા અને સિવિલ રોડ વિસ્તારની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યૉના ગગનભેદી નારાઓ સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ બાપાની ભક્તિમાં લીન બન્યા હતા. નદી  તટે મહાઆરતી બાદ ભાવિકોઍ અશ્રુભીની આંખો સાથે વિઘ્નહર્તાને વિદાય આપી આગામી વર્ષે વહેલા પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.