વલસાડમાં બે આખલાને છુટા પાડવા ફટાકડા ફોડવા પડયા
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ શહેરના ઘડુચી તળાવ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે સર્જાયેલા ધીંગાણાઍ સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. અચાનક સામસામે આવી ગયેલા બે આક્રમક આખલાઓઍ ઍકબીજા સાથે લડતા આખું ગામ માથે લીધું હતું. જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓની ભીષણ લડાઈને પગલે રસ્તા પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોઍ તેમજ દુકાનોમાં દોડી ગયા હતા. આખલાઓ ઍટલા રોષે ભરાયેલા હતા કે કોઈ પણ વ્યક્તિ તેમની નજીક જવાની હિંમત કરી શકતું નહોતું.
સ્થિતિ વધુ વણસે તે પહેલાં સ્થાનિક ગ્રામજનો અને યુવાનોઍ સમયસૂચકતા વાપરી બંનેને છૂટા પાડવા દેશી નુસખો અજમાવ્યો હતો.
લોકોઍ દૂરથી જ આખલાઓ પાસે ફટાકડા ફોડવાનું શરૂ કર્યુ અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફટાકડાના તીવ્ર અવાજ અને ઠંડા પાણીના છંટકાવને પગલે લાંબી જહેમત બાદ બંને આખલા છૂટા પડતાં સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓઍ હાશકારો અનુભવ્યો હતો.
ઘટના બાદ સ્થાનિકોઍ આ વિસ્તારમાં રખડતા ઢોરના વધતા ત્રાસ સામે કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે.
