Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

વાપીના ગણેશોત્સવમાં માર્કેટમાં રૂ.૧૦૦ કરોડથી વધુનો ધંધો!

વાપીના ગણેશોત્સવમાં માર્કેટમાં રૂ.૧૦૦ કરોડથી વધુનો ધંધો!


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ ગણેશ ચતુર્થીના પર્વને લઈ વાપી પંથકમાં ભક્તિ સાથે બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી. ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિથી લઈને મંડપ ડેકોરેશન, ફૂલહાર, પ્રસાદ, લાડુ-મીઠાઈ, કેટરિંગ, લાઇટિંગ, સાઉન્ડ, ડીજે, પૂજા સામગ્રી, કપડાં સહિત વિવિધ ક્ષેત્રના વેપાર-ધંધામાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. વેપારી વર્ગમાં ચર્ચા મુજબ ગણેશોત્સવને કારણે વાપી અને આસપાસના વિસ્તારમાં ૧૦૦ કરોડથી વધુનો કારોબાર થયો હોવાનું મનાઈ રહ્નાં છે. ગણેશોત્સવ માટે વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી ઘર-ઘરમાં તેમજ વિવિધ ગણેશ મંડળો દ્વારા આકર્ષક અને મોંઘી ગણેશજીની પ્રતિમાઓની ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક મંડળ દ્વારા પોતાના મંડપને વધુ આકર્ષક બનાવવા અલગ-અલગ પ્રકારનું ડેકોરેશન કરાવવામાં આવ્યું હતું.  જેના કારણે મંડપ ડેકોરેશન સાથે લાઇટિંગ અને સાઉન્ડના વ્યવસાયને પણ મોટો લાભ મળ્યો હતો. ગણેશ મંડપોમાં દરરોજ ફૂલહાર અને ફૂલોથી શણગાર કરવામાં આવતો હોવાથી ફૂલોના વેપારીઓ તેમજ માળી સમાજના વ્યવસાયને પણ વેગ મળ્યો હતો. પ્રસાદમાં લાડુ, મીઠાઈ, વિવિધ વાનગીઓ તથા ૫૬ ભોગ માટે કેટરિંગ અને મીઠાઈના વેપારીઓ પાસેથી મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી હતી.
ગણેશ વિસર્જનના ૧૧ દિવસના હાલમાં બાર દિવસના આ કાર્યક્રમોને લઈ ડીજે, નાસિક ઢોલ, સાઉન્ડ સિસ્ટમ, વાહન વ્યવસ્થા અને ટ્રાન્સર્પોટિંગના વ્યવસાયમાં પણ તેજી જોવા મળી હતી. અનેક ગણેશ મંડળો દ્વારા કાર્યકરો માટે ઍકસરખા રંગ અને ડિઝાઇનના કપડાં તૈયાર કરાવવાની સાથે ગિફટ સહિતની ખરીદી કરવામાં આવી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રને પણ ગણેશોત્સવ દરમિયાન મજુર વર્ગના લોકોને નોંધપાત્ર કામ મળ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન મહિલાઓ માટે સાડી, જ્યારે પુરુષો અને બાળકો માટે વિવિધ પ્રકારના કપડાંની ખરીદીમાં પણ વધારો નોંધાયો હતો. આમ, ગણેશોત્સવની ઉજવણી સાથે સંકળાયેલા નાના-મોટા અનેક વ્યવસાયોને સીધો કે આડકતરો લાભ મળ્યો છે. ભારત દેશ તહેવારોનો દેશ તરીકે ઓળખાય છે અને વિવિધ તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે. જેના કારણે તહેવારો વેપાર-ધંધા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. વાપી ટાઉન અને જીઆઇડીસી તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન થયેલી વિવિધ પ્રકારની ખરીદીને કારણે બજારમાં નાણાંની હેરફેર વધી હતી અને વેપારી વર્ગને રાહત સાથે વેપારમાં તેજીનો અનુભવ થયો હતો.વેપારીઓ તથા લોકોમાં થતી ચર્ચા મુજબ ગણેશોત્સવ દરમિયાન વાપી પંથકમાં આશરે ૫૦થી ૬૦ કરોડ રૂપિયાના માલસામાનનું વેચાણ થયું હોવાનું અનુમાન છે, જ્યારે ડેકોરેશન, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, લાઇટિંગ-સાઉન્ડ, ટ્રાન્સર્પોટિંગ સહિતની સેવાઓને જોડવામાં આવે તો કુલ કારોબારનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ હોવાની ચર્ચા છે. ગણેશોત્સવને કારણે વાપીના વેપાર-ધંધાને જાણે બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.