Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન સેવા પુનઃ શરૂ થતાં મુસાફરોમાં ખુશી

વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન સેવા પુનઃ શરૂ થતાં મુસાફરોમાં ખુશી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૧૭ ઃ બીલીમોરાથી વઘઈ જતી નેરોગેજ ટ્રેન સેવા અંદાજે ઍક માસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતા બંધ કરવામાં આવી હતી.ટ્રેન સેવા બંધ થતા વઘઈ, ઉનાઈ યાત્રાધામ તેમજ અનાવલ, રાનકુવા, ધોળીકુવા, ચીખલી રોડ સહિતના વિસ્તારોમાંથી રોજગાર અને અન્ય કામકાજ માટે સુરત તથા વલસાડ તરફ અવરજવર કરતા નોકરીયાતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ વલસાડ  રેલવે તંત્ર દ્વારા ધોવાઈ ગયેલા રેલવે ટ્રેકના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ અગાઉ નેરોગેજ રેલવે ટ્રેકનું જરૂરી સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ ઍન્જિન દોડાવી ટ્રેકનું ફિટનેસ પરીક્ષણ કર્યા બાદ નેરોગેજ ટ્રેનને પણ ઍન્જિનની મદદથી બીલીમોરા ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ આજે રેલવે તંત્ર દ્વારા બીલીમોરાથી વઘઈ તરફ નેરોગેજ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.