માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છેઃ કેબિનેટ મંત્રી કનુભાઈ
- byDamanganga Times
- 18 September, 2026
વલસાડ, તા. ૧૭ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈઍ રૂ. ૦૨ કરોડ ૧૧ લાખના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું લોકાર્પણ કરી જિલ્લાને ભેટ આપી હતી.
નવા માહિતી ભવનના ઉદઘાટન પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે, સમગ્ર ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ઍમણે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન સુધીની રાજકીય સફર અને તેમના નેતૃત્વમાં થયેલી દેશની વિકાસગાથાને વર્ણવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સરકારની તમામ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની સાચી માહિતી જાહેર જનતા સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવતા માહિતી ભવનના નવા મકાનનું લોકાર્પણ કરાયું છે. માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન જે પટેલે જિલ્લાના નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાને અભિનંદન પાઠવ્યા હતાં.
માહિતી ભવનના નવા મકાનમાં ગ્રાઉન્ડ ફલોરમાં ર્પાકિંગની સુવિધા અને પત્રકાર રૂમનો સમાવેશ કરાયો છે. ફર્સ્ટ ફલોર ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન ઓફિસરની ચેમ્બર, સિનિયર સબ ઍડિટરની ચેમ્બર, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, ઍડમિન અને ઍકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ અને સ્ટાફ ચેમ્બર તથા લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. સેકન્ડ ફલોર પર ડેપ્યુટી ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરની ચેમ્બર, ઈલેકટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ હોલ, ઍક્ઝિબિશન/કોન્ફરન્સ હોલ વીથ લાઈબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમનો સમાવેશ કરાયો છે.
વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું કે, માહિતી ખાતુ અને સરકાર ઍક સિક્કાની બે બાજુ છે. માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે. માહિતી વિભાગની સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી ઍ.બી.મછાર અને નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ મહેતા સહિત જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા મંત્રી સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રદેશ સંગઠનના મંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્ના હતા.
