ઉમરગામ કોર્ટમાં યુવા સિવિલ જજ મનોજભાઈ આર. દવેની શપથવિધિ યોજાઈ
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ સિંહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ સુરત સમાજના યુવા પ્રમુખ મનોજભાઈ આર. દવેની સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે ઉમરગામ ખાતે પોસ્ટિંગ થતાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઉમરગામ કોર્ટ ખાતે શપથવિધિ યોજાઈ હતી. વિઘ્નહર્તા, સુખકર્તા અને દુઃખહર્તા શ્રી ગણપતિ બાપાના આશીર્વાદ સાથે મનોજભાઈ આર. દવે જજ સાહેબે ઉમરગામ કોર્ટ ખાતે પોતાની નવી સંવિધાનિક સેવાની શપથ ગ્રહણ કરી હતી. આ પ્રસંગે ઉમરગામના આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર તથા ભાગવતાચાર્ય શાસ્ત્રી હાર્દિકભાઈ શુક્લ અને શાસ્ત્રી ચંદુભાઈ શુક્લ દ્વારા મનોજભાઈ આર. દવેનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
મનોજભાઈ આર. દવેની ઉમરગામ ખાતે સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકેની નિમણૂકથી બ્રહ્મસમાજમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. ગણેશ ચતુર્થીના શુભ દિવસે શરૂ થયેલી તેમની આ નવી સંવિધાનિક સેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
