આહવામાં આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૧૬ ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યવ્યાપી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પણ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આહવા ખાતે યોજાનાર રક્તદાન કેમ્પની વિગતો મુજબ તા.૧૭/૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકથી સાંસ્કૃતિક ભવન, આહવા (જૂના ડાંગ દરબાર હોલ) ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. રક્તદાન માનવતાની સૌથી મોટી સેવાઓ પૈકીની ઍક છે. અકસ્માતો, પ્રસૂતિ, શસ્ત્રક્રિયા તથા વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાન અત્યંત મહત્વપૂર્ણ છે. ઍક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાયી બની શકે છે.
આ સંદર્ભે ડાંગ જિલ્લાના તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રક્તદાન માટે પાત્ર અને ઇચ્છુક નાગરિકોને આ મહત્ત્વપૂર્ણ સેવાકીય અભિયાનમાં સહભાગી બની સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જિલ્લા તંત્ર દ્વારા વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરિત થાય અને કેમ્પમાં ઉપસ્થિત રહી આ સેવાકીય અભિયાનને સફળ બનાવે તે માટે સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
