ડાંગનાં કાકશાળામાં શાળાના નબળા બાંધકામ મામલે જી.પં. પ્રમુખની સ્થળ તપાસ
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૧૬ ઃ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ આવતા કાકશાળા ગામે નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો.શાળાનું બાંધકામ અત્યંત નિમ્ન સ્તરનું થતુ હોવાની ફરિયાદો ઉઠતા આ બાબત સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી ચર્ચાનો વિષય બની હતી.શાળાના નિર્માણમાં કથિત ભ્રષ્ટાચાર થવાના સવાલો ઉભા થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત ત્વરિત ઍક્શન મોડમાં આવ્યા હતા.તેમણે કોઈ પણ પૂર્વ સૂચના વગર કાકશાળા ગામે પહોંચીને નવી શાળાના બાંધકામની ઓચિંતી સ્થળ મુલાકાત લીધી હતી.આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પવાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને વર્તમાન આરોગ્ય ચેરમેન દિનેશભાઈ હિલિમ પણ જોડાયા હતા.ઉપસ્થિત તમામ મહાનુભાવો અને આગેવાનોઍ જાતે સ્થળ પર જઈને નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામ તથા સામગ્રીની બારીકાઈથી ચકાસણી કરી હતી. સ્થળ તપાસ દરમિયાન બાંધકામમાં અનેક કમીઓ અને ગંભીર ગેરરીતિઓ નજરે પડતા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઘટનાસ્થળેથી જ ટેલિફોનિક સંપર્ક સાધીને સંબંધિત કોન્ટ્રાક્ટરનો કડકડો બોલાવી દીધો હતો અને તેને બરોબરનો ખખડાવ્યો હતો. પ્રમુખઍ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે અત્યાર સુધીમાં જે પણ નબળું અને નિમ્ન કક્ષાનું બાંધકામ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને સરકારી નિયમો તેમજ નિર્ધારિત ધોરણો અનુસાર નવેસરથી ગુણવત્તાસભર કામગીરી શરૂ કરવામાં આવે.
