ખડકવાળ પ્રા.શાળામાં રક્તદાન યજ્ઞ અને ટ્રેક શૂટ અર્પણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૫ ઃ કપરાડા તાલુકાના ખડકવાળ ગામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી વાપી રિવર સાઈડ, રૅનબૉ વૉ. ધરમપુર તથા ખડકવાળ પ્રાથ. શાળાના સંયુક્ત ઉપક્રમે અત્રે પરિસરમાં રક્તદાન યજ્ઞ તથા ટ્રેક શૂટ અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન વિધિ પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, સરપંચ રસીલાબેન ફડવળ, જયેશભાઈ ગરાસિયા, કાશીરામભાઈ ધૂમ, હાર્દિકભાઈ ફડવળ, જયેન્દ્રભાઈ ગાંવિત, અક્ષય રઘુવંશી વિ. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ વિજેતા સંજયભાઈ મકવાણાનું ખડકવાળ શાળા પરિવાર, રૅનબૉ વૉરિઅર દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓને બિરદાવી સૌઍ શુભેચ્છાઓ પાઠવી હતી. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભુતા દ્વારા ખડકવાળ પ્રા. શાળાના ૩૫૯ વિદ્યાર્થીઓને ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિશેષ સેવાકીય પહેલ બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓના ઉત્સાહભેર સહકારથી કુલ ૩૭ યુનિટ રક્તદાન પ્રા બદલ રક્તદાતાઓનું સન્માન કરી સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, રોટરી વાપી રિવર સાઇડ, આરપી. ઇલેક્ટ્રોનિકસ, સંજયભાઈ મકવાણા તથા રૅનબૉ. ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. અંગદાન, ચક્ષુદાન અને દેહદાન પણ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. યુવાનો સહિત સૌને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાવા અપીલ થઈ હતી.
આ પ્રસંગે નિમેશભાઈ ગાંવિત નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી દ્વારા સરકારના સુગમ ડીજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી પ્રમાણપત્રો જેવા કે, આવકનું, જાતિનું પ્રમાણપત્ર વગેરે અને રેશન કાર્ડ બનાવવા જેવા કામોની સેવા ઘરબેઠા મેળવી શકાય છે
તે સેવાઓનું નિદર્શન- સુંદર સમજ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડકવાળ પ્રાથમિક શાળાના આચાર્ય તથા શાળા પરિવારના સભ્યો, ગામના યુવાનો અગ્રણી, ભાવનાબેન, પ્રગતિબેન, ભરતભાઈ તથા કો. ઑ શંકરભાઈ પટેલ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
