વાપીમાં પ્રતિબંધિત ગુટખા-પાન મસાલાનું ખુલ્લેઆમ વેચાણ?
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ગુટખા, પાન મસાલા સહિતના તમાકુજન્ય અને નશાકારક પદાર્થો પરનો પ્રતિબંધ વધુ ઍક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હોવા છતાં વાપી શહેર અને વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવા પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ થતું હોવાની ચર્ચા વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્ના છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ટાઉન તેમજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા, અનાજ-કરિયાણાની દુકાનો અને ચાની લારીઓ પર પ્રતિબંધિત ગુટખા તથા તમાકુજન્ય ચીજવસ્તુઓ ગ્રાહકોને સરળતાથી મળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્ના છે. વધુમાં, સ્થાનિક ચર્ચા મુજબ વાપી જીઆઈડીસી તેમજ નાનાપોંઢા વિસ્તારની આસપાસના કેટલાક ઔદ્યોગિક ઍકમોમાંથી ગુટખા અને તમાકુજન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા હેરાફેરી થતી હોવાની વાતો સામે આવી રહી છે. અને હાઈવે માર્ગે મોટા વાહનોમાં થતી હેરાફેરી ઉપર નજર રાખવામાં આવતી હોવાના પગલે હવે નાના વાહનોનો ઉપયોગ થઈ રહ્ના છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વાપી જીઆઈડીસી ચાર રસ્તા અને ટ્રાન્સપોર્ટ વિસ્તારમાંથી ઇનોવા, અર્ટિગા તથા ઈકો જેવી કાર મારફતે ગુટકા ભરેલો માલ વાપીથી કપરાડા થઈ નાસિક અને ત્યારબાદ મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવતો હોવાની માહિતી ચર્ચામાં છે.
આ ઉપરાંત રાત્રિના સમયે વાપીથી નેશનલ હાઈવે નં. ૪૮ મારફતે માલની હેરાફેરી થતી હોવાની પણ ચર્ચા છે.
પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે અસરકારક કાર્યવાહી માટે ગુજરાત તથા મહારાષ્ટ્રની સંબંધિત અમલદાર ઍજન્સીઓ વચ્ચે સંકલન જરૂરી બન્યું છે. ખાસ કરીને વાપી જીઆઈડીસી, ટ્રાન્સપોર્ટ વિસ્તારો, હાઈવે માર્ગો અને સરહદી માર્ગો પર સંયુક્ત તપાસ કરવામાં આવે તો પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવી શકાય તેવી માંગ ઉઠી રહી છે.
