વલસાડમાં દેશના પ્રખ્યાત ૧૦૯ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વલસાડ શહેરના મધ્યમાં આવેલા મોટા બજારના ઐતિહાસિક અંબામાતા મંદિર પરિસરમાં આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં ગણેશજીની ૧૦૯ જેટલી વિવિધ મૂર્તિઓનું ભવ્ય પાર્થિવ પૂજન અને સ્થાપન કરવામાં આવતાં આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ આયોજનની મુખ્ય વિશેષતા ઍ છે કે તેમાં દેશ-વિદેશના ખ્યાતનામ ગણેશ મંદિરોના સ્વરૂપોને ઍક જ છત નીચે સાકાર કરવામાં આવ્યા છે. અહીં મહારાષ્ટ્રના પવિત્ર અષ્ટવિનાયક, પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ, મુંબઈના સિદ્ધિવિનાયક, જયપુરના મોતી ડુંગરી, રાજસ્થાનના ત્રિનેત્ર ગણેશ તેમજ વડોદરાના ધૂંડી વિનાયકની પ્રતિકૃતિ સમી પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક મ્યુઝિયમમાં સંગ્રહિત વરદ વિનાયકની પ્રતિમાનું સ્વરૂપ પણ અહીં દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે.
દર્શન માટે પહોંચેલા ભાવિકો ભાવનાબેન ભટ્ટ, દેવલ ભટ્ટ અને નયનેશભાઈ મહેતાઍ જણાવ્યું હતું કે, જે શ્રદ્ધાળુઓ દેશભરના તીર્થસ્થાનોઍ પહોંચી શકતા નથી, તેઓને વલસાડમાં જ ઍકસાથે તમામ સ્વરૂપોના દર્શનનો લહાવો મળી રહ્ના છે. મંદિર પરિસરમાં માત્ર ઍક પ્રદક્ષિણા કરવાથી ૧૦૯ ગણેશજીની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય પ્રા થાય છે. અહીં ભક્તો જાતે જ આરતી અને પૂજા કરી પરમ શાંતિનો અનુભવ કરી રહ્ના છે.
મંદિરના પૂજારી ધવલ વ્યાસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ સરળતાથી પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
અનંત ચતુર્દશી સુધી બિરાજમાન રહેનારી આ ૧૦૯ મૂર્તિઓના દર્શન માટે વલસાડ શહેર સહિત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્ના છે.
