ધરમપુરનાં ભાંભામાં માર્ગ અકસ્માતમાં યુવકનું મોત
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૫ ઃ ધરમપુર તાલુકાના ભાંભા ગામે જલારામ પેટ્રોલ પંપ નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડાવી લાવવામાં આવેલી હોન્ડા કારે પાર્ક કરેલા વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૨૫ વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દુકાન બહાર ઉભેલી મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૮ઃ૧૫ વાગ્યાના અરસામાં ભાંભા ગામના આહિર ફળિયા વિસ્તારમાં જલારામ પેટ્રોલ પંપ પાસે ખેરગામથી ધરમપુર તરફ આવતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. સુરતના નારાયણ નગર ખાતે રહેતા સુજિત અરુણ તિવારી હોન્ડા જાઝ કાર નં. ઞ્થ્-૨૪-ધ્-૯૫૪૭ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવ્યા હતાં. દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન સામે પાર્ક કરાયેલા વાહનોને કારની ટક્કર લાગતાં બે મોટરસાયકલો હવામાં ફંગોળાઈ ગઈ હતી.
આ પૈકી ઍક મોટરસાયકલ પર સવાર ભાંભા ગામના નિશાળ ફળિયામાં રહેતા યોગેશભાઈ રણજીતભાઈ પટેલ (ઉં.વ. ૨૫)ને માથા, મોઢા, ડાબા હાથ તથા જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત દુકાનની બહાર ઉભેલા પ્રિયાબેન નૈલેશભાઈ પટેલને પણ ડાબા ખભા, ડાબા હાથ તથા માથાની ડાબી બાજુઍ ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે ધરમપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
