Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

વલસાડે ઍક સેવાભાવી રત્ન ગુમાવ્યું

વલસાડે ઍક સેવાભાવી રત્ન ગુમાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ પોતાનું સમગ્ર જીવન બીજાના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરવા માટે સમર્પિત કરનાર વલસાડના જાણીતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અને અગ્રણી સેવાભાવી વ્યક્તિત્વ ભરતભાઈ (ધનંજય) ઠાકોરભાઈ દેસાઈનું ૮૬ વર્ષની વયે તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સેવાકીય જગતમાં ઊંડો શોક વ્યાપી ગયો છે.
સ્વ. ભરતભાઈ દેસાઈ વલસાડની પ્રસિદ્ધ ફ્રી આઇ હોસ્પિટલ સાથે વર્ષો સુધી સક્રિય રીતે જોડાયેલા રહ્ના હતા. તેમના અવિરત પ્રયાસો અને સેવાભાવને કારણે ગુજરાત તેમજ આસપાસના અન્ય રાજ્યોમાંથી આવતા હજારો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક શક્ય બન્યા હતા. અસંખ્ય પરિવારોના જીવનમાં પુનઃ દૃષ્ટિનો સંચાર કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્નાં છે. પોતાના નિઃસ્વાર્થ કાર્યો અને દૃષ્ટિહીનોને આપેલી નવી રોશની થકી ભરતભાઈ દેસાઈ લોકહૃદયમાં સદાય જીવંત રહેશે.  તેમની સૌથી મોટી વિશેષતા ઍ હતી કે તેમણે ક્યારેય સેવાને પ્રસિદ્ધિનું માધ્યમ ન બનાવ્યું હતું. અનેક સંસ્થાઓ દ્વારા તેમના સન્માનના પ્રયાસો થયા, પરંતુ તેઓ સ્ટેજ પર જઈ સન્માન સ્વીકારવાને બદલે પોતાના પાયાના કાર્યકરો અને સાથીઓને આગળ કરતા. તેઓ દૃઢપણે માનતા કે સેવામાં નામ નહીં, પણ કામ બોલવું જોઈઍ. આ ઉપરાંત તેમણે જીવનભર અનેક જરૂરિયાતમંદોને ગુ દાન આપી સાચા અર્થમાં ગુદાન, મહાદાનની ઉક્તિને સાર્થક કરી હતી.
આજે તેમની અંતિમયાત્રા વલસાડના હાલર વજીફદાર મહોલ્લા સ્થિત નક્ષત્ર ઍપાર્ટમેન્ટ ખાતેથી નીકળી હતી, જેમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ, તબીબો, વકીલો, પત્રકારો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સ્નેહીજનો જોડાયા હતા અને અશ્રુભીની વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે સ્વ. ભરતભાઈના પરિવારમાં તેમના ઍકમાત્ર પુત્ર ધર્મિનભાઈ દેસાઈ છે, જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. પરંતુ તાજેતરમાં જ તેઅો ભારતમાં આવી પહોચ્યા હતાં.
 તેથી પિતાના અંતિમ સમયે તેમના ઍકમાત્ર પુત્રની સમયસર ઉપસ્થિતિ રહી શકી હતી.