દમણના દરિયામાં ગણેશ વિસર્જન વેળા ડૂબતા યુવકને બચાવાયો
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઇમ પ્રતિનિધિ)
દમણ, તા.૧૫ ઃ દમણના દરિયા કિનારે જેટી પર ગણેશ વિસર્જન દરમિયાન ઍક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દરિયા અને દમણગંગા નદીના સંગમ સ્થળે ઍક યુવક અચાનક નદીમાં પડી જતા પાણીની વચ્ચે ફસાઈ ગયો હતો.
યુવક નદીમાં ફસાયેલો હોવાનું નજરે પડતાં કેટલાક યુવકોઍ હિંમત દાખવી યુવકને બચાવવા માટે હોડી લઈને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ નદીમાંથી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
રેસ્ક્યુ કર્યા બાદ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. યુવક નદીમાં કયા સંજોગોમાં પડ્યો હતો અને ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેનું રહસ્ય હાલ અકબંધ છે.
ઘટનાની જાણ થતાં પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે અને યુવકની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
