Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

વલસાડમાં અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી કરાઈ

વલસાડમાં અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ દર વર્ષે તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દૃષ્ટિહીન દિવ્યાંગજનો પ્રત્યે સમાજમાં સંવેદનશીલતા અને જાગૃતિ કેળવવા તેમજ તેમના શિક્ષણ, રોજગાર, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ માટે સહયોગની ભાવના મજબૂત કરવાનો સંદેશ આપે છે. આ અંગેનો કાર્યક્રમ   અંધજન મંડળ નનકવાડા વલસાડ ખાતે જિલ્લા કલેકટર નિતીન સાંગવાનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ અવસરે જિલ્લા વિકાસ  અધિકારી  અતિરાગ ચપલોત પણ ઉપસ્થિત રહયા હતા. કલેકટર નિતીન સાંગવાને જણાવ્યું હતુ કે દૃષ્ટિહીન દિવ્યાંગજનો પણ સમાજનો અભિન્ન હિસ્સો છે. યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ, તાલીમ અને અનુકૂળ તકો મળે તો તેઓ પોતાની ક્ષમતા અને પ્રતિભાના આધારે વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક આગળ વધી શકે છે. અખિલ હિન્દ અંધજન ધ્વજ દિન નિમિત્તે સમાજના દરેક વર્ગને દૃષ્ટિહીન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે સહભાગી બનવા જણાવ્યું હતુ. તેમણે દિવ્યાંજનોના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો, સમાન અધિકાર, સન્માન અને આત્મનિર્ભરતાની તક મળે તે જોવા જણાવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે દિવ્યાંગ બાળકોમાં રહેલી સુશુ શકિતને બહાર લાવી  સમાજ સાથે જોડવા  જણાવી  સરકાર તરફથી મળતા લાભોથી લાભાન્વિત કરવા જણાવ્યું હતું.  
સંસ્થાના ડાયરેકટર  અમીબેન પટેલે સંસ્થાની કામગીરી અને કાર્યોની રૂપરેખા આપી સૌને વાકેફ કર્યા હતા. આ અવસરે રમતગમત ક્ષેત્રે વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નનકવાડા ગામના સરપંચ  ભીડ ભંજન મંદિરના શિવજી મહારાજ, દાતાઓ સહિત સંસ્થાના કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.