વલસાડ જિલ્લામાં ફરી મેઘસવારી
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં શીતળતા પ્રસરી ગઈ છે.
લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતાં સ્થાનિક રહીશોને ગરમીના કારણે થઈ રહેલા બફારામાંથી મુક્તિ મળી છે, જ્યારે ખેડૂતોને ખરીફ પાકને જીવનદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ અને નાનાપોંઢા તાલુકામાં ઍક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી અને કપરાડા તાલુકામાં અડધો ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે.
ઍક તરફ વરસાદથી રાહત મળી છે, તો બીજી તરફ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જયારે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પરના રસ્તાઅો પર ઠેર-ઠેર ડામર ઉખડી જતાં હાઇવે રોડ તેમજ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સતત દોડતા વાહનો ધીમા પડ્યા છે અને અકસ્માતનો ભય વધી ગયો છે. વલસાડ પંથકમાં સ્થાનિક અંડરપાસ અને બ્રિજ બિસ્માર થતાં લોકો પરેશાન થઈ જવા પામ્યા છે.
વલસાડ શહેર અને આસપાસના મુખ્ય માર્ગોની હાલત પણ કફોડી બની છે. વલસાડ શહેરના ઔરંગા નદી પરનો ઓવરબ્રિજ અને છીપવાડ રેલવે ગરનાળુ સતત પાણી ભરાવા અને રસ્તો બિસ્માર થવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો અને રોજમદા કામદારોને આવવા જવામાં મુશ્કેલ બની છે. મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં આ રસ્તેથી પસાર થતા દૈનિક મુસાફરો અને વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્ના છે. વરસાદથી ખેતીપાકને ફાયદો જરૂર થયો છે,
પરંતુ વાહનચાલકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને જોતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
