Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

સેલવાસમાં વીઆઈપી મુલાકાત પૂરી થતાં ઢોર ફરી રસ્તા પર છોડી મુકાયા!

સેલવાસમાં વીઆઈપી મુલાકાત પૂરી થતાં ઢોર ફરી રસ્તા પર છોડી મુકાયા!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૩ ઃ ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની બે દિવસીય સેલવાસ મુલાકાત પૂર્વે પ્રશાસને શહેરના મુખ્ય માર્ગો અને જાહેર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રખડતા ઢોરને પકડીને કામત હોટલ પાછળના વિસ્તારમાં રાખ્યા હતા. જોકે, વી.આઈ.પી. મુલાકાત પૂર્ણ થયા બાદ ૧૨ સપ્ટેમ્બરની સાંજે આશરે ૬ વાગ્યે આ ઢોરને ફરીથી છોડી દેવામાં આવતા પ્રશાસનની કામગીરી અને તેના સ્થાયી ઉકેલ અંગે સવાલો ઊભા થયા છે.મળતી માહિતી અને પ્રા થયેલા વીડિયો ફૂટેજ મુજબ, ૯ સપ્ટેમ્બરે શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રસ્તાઓ અને બજાર વિસ્તારોમાં ઢોરના ટોળાંને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોઍ અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉપ-રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન સિલ્વાસાના મુખ્ય વિસ્તારો સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાય તે માટે પ્રશાસને મોટા પાયે કામગીરી હાથ ધરી હતી. વિવિધ વિસ્તારોમાંથી ઢોરને હટાવીને ઍક સ્થળે રાખવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન વાહનો, કર્મચારીઓ અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, મુલાકાત પૂર્ણ થયા બાદ ઢોરને ફરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામે રહેણાંક વિસ્તારો, બજારો તેમજ શાળા-હોસ્પિટલ નજીક ફરીથી રખડતા ઢોરનો પ્રશ્ન ઊભો થયો છે. આ સ્થિતિમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને રાહદારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર ઘટનાઍ ઍક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કર્યો છે કે, જો પ્રશાસન ઉચ્ચસ્તરીય મુલાકાત દરમિયાન માત્ર ૪૮ કલાકમાં મોટી સંખ્યામાં ઢોરને પકડીને ઍક સ્થળે રાખવાની વ્યવસ્થા કરી શકે છે, તો આ જ વ્યવસ્થાનો ઉપયોગ કાયમી ઉકેલ માટે કેમ ન કરી શકાય? કામત હોટલ પાછળ ઉપયોગમાં લેવાયેલી જગ્યા, ઉપલબ્ધ માનવશક્તિ અને વાહનવ્યવસ્થા સહિતની વ્યવસ્થા દરમિયાન પ્રશાસન દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કાયમી પશુ આશ્રય અથવા નિયંત્રિત હોલ્ડિંગ સેન્ટર તરીકે વિકસાવી શકાય તેવી શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે.