કકવાડીના ગણેશ આગમનમાં તલવારબાજી : ૪ સામે ફરિયાદ
- byDamanganga Times
- 14 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ તાલુકાના કકવાડીગામે શ્રીજીના આગમન મહોત્સવ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા જાહેર માર્ગ પર ખુલ્લી તલવારો સાથે કરતબો કરી ભયનો માહોલ ઊભો કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કકવાડીગામમાં ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગામના મેથીયા ફળિયા માં રહેતા જયંતિભાઈ લલ્લુભાઈ ટંડેલ, તેમનો પુત્ર સાહિલકુમાર જયંતિભાઈ ટંડેલ તેમજ હેનિક રતિલાલ ટંડેલ અને મોહિત ટંડેલ નામના શખ્સો દ્વારા ગામના મુખ્ય રસ્તા પર તલવાર સાથે તલવારબાજી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ધાર્મિક ઉત્સવ વચ્ચે જાહેર માર્ગ પર ખુલ્લેઆમ હથિયારો લહેરાવી કરાયેલા આ કૃત્યને કારણે ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.
ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે હેતુથી ગ્રામજનો દ્વારા ડુંગરી પોલીસ મથકે અરજી આપી સમગ્ર મામલાની તટસ્થ તપાસ હાથ ધરી, જાહેર શાંતિનો ભંગ કરનારા તમામ જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. પોલીસે આ મામલે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
