Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

દારોઠા નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે વિરોધ

દારોઠા નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે વિરોધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૦ ઃ ઉમરગામ તાલુકાના પૂર્વ વિસ્તારની જીવાદોરી સમાન દારોઠા નદીમાં સેલવાસના નરોલી સ્થિત કેમિકલ અને ઔદ્યોગિક ઍકમ દ્વારા કાળું, દુર્ગંધયુક્ત અને રસાયણયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. ભિલાડ ગ્રામ પંચાયતના માજી સરપંચ ડાહ્નાભાઈ ગમનભાઈ ધોડી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સરીગામ પ્રાદેશિક કચેરી ખાતે આ અંગે લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.
 ડાહ્નાભાઈ પટેલે આપેલી લેખિત ફરિયાદમાં સિલવાસાના નરોલી વિસ્તારમાં આવેલી મેસર્સ ભિલોસા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ દ્વારા કુદરતી વહેણ મારફતે કેમિકલયુક્ત પાણી દારોઠા નદીમાં ઠાલવવામાં આવી રહ્નાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ દૂષિત પાણી ઉમરગામ તાલુકાના નગવાસ, ઝરોલી, ભિલાડ ઍકલહેર, ઝંબોરી સહિતના સરહદી ગામો સુધી પહોંચી રહ્નાં છે, જેનાથી સ્થાનિક પર્યાવરણ, ભૂગર્ભજળ અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. આગામી ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા દારોઠા નદીમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. જો નદીનું પાણી કેમિકલયુક્ત રહેશે તો વિસર્જન વખતે બાળકો, મહિલાઓ અને ગ્રામજનો પ્રદૂષિત પાણીના સીધા સંપર્કમાં આવતા ચામડી તેમજ અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે. જેથી માજી સરપંચે માંગ કરી છે કે જીપીસીબી અને સરકારી અધિકારીઓની ટીમ તાત્કાલિક દારોઠા નદીની મુલાકાત લેવામાં આવે તેમજ નદીના ઉપરવટ અને નદીના નીચાણવાળા ભાગેથી પાણીના સીલબંધ સેમ્પલ લેવામાં આવે. આ ઉપરાંત આજુબાજુના બોરવેલ, કૂવા અને ખેતીની જમીનના પણ નમૂના ઍકત્રિત કરી વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને જો પાણીમાં પ્રદૂષણ જણાય તો ગણેશ વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા અને ચેતવણી બોર્ડ મુકવામાં આવે. આ ગંભીર મામલે માજી સરપંચ ડાયાભાઈ પટેલે બરોડા રિજનલ ડાયરેક્ટર, વલસાડ જિલ્લા કલેક્ટર અને દાદરા નગર હવેલી કલેક્ટરને પણ નકલ રવાના કરી જવાબદાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.