વાપીના મુખ્ય માર્ગો પર મોડી રાત્રે મોટી ગણેશ પ્રતિમાઓ સાથે ડીજેના ધમધમાટથી લોકો પરેશાન
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીમાં આગામી ૧૪ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના પર્વને લઈ ઠેર-ઠેર શ્રી ગણેશજીની સ્થાપના અને ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વાપીના મુખ્ય માર્ગો પર મોડી રાત્રિના સમયે મોટા કહેવાતા અને અનેક સોસાયટીઓ ના ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની વિશાળ પ્રતિમાઓને ડીજેના ધમધમાટ સાથે લઈ જવામાં આવી રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલીક પ્રતિમાઓ નિર્ધારિત નિયમો કરતાં વધુ ઊંચાઈ ધરાવતી હોવાની ચર્ચા છે. સાથે જ પ્રતિમાના નિર્માણમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રકારની પ્રતિમાઓને મોડી રાત્રે ભારે અવાજ સાથે મુખ્ય માર્ગો પરથી લઈ જવામાં આવતાં રાહદારીઓ, વાહનચાલકો તેમજ માર્ગની આસપાસ રહેતા રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. દર વર્ષે ગણેશોત્સવ પૂર્વે પર્યાવરણને અનુકૂળ નિર્માણ, પ્રતિમાની ઊંચાઈ તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ અંગે વિવિધ સરકારી માર્ગદર્શિકા અને નિયમોની વાત કરવામાં આવે છે. તેમ છતાં સમગ્ર વલસાડ જિલ્લા અને વાપીમાં નિયમોના કડક અમલ અંગે હવે સવાલો ઉઠી રહ્ના છે. સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમો લાગુ કરવામાં આવ્યા હોય તો તેમની અમલવારીની ચકાસણી પણ થવી જોઈઍ. ખાસ કરીને મુખ્ય માર્ગો પરથી મોડી રાત્રે પસાર થતી મોટી પ્રતિમાઓ તથા ડીજેના ઉપયોગ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વાપી મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવે અને નિયમોનો ભંગ થતો જણાય તો કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ છે.ગણેશોત્સવ શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે ત્યારે પર્યાવરણની જાળવણી, જાહેર વ્યવસ્થા અને ધ્વનિ પ્રદૂષણ અંગેના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર સક્રિય બને તેવી અપેક્ષા સ્થાનિકો વ્યક્ત કરી રહ્ના છે.
