વલસાડ પાલિકાના ડોર-ટુ-ડોર કચરાના ટ્રેક્ટર ચાલકો પાસે લાયસન્સ જ નથી!
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઍકત્ર કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઍજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. કચરો ઉઠાવવા માટે દોડાવવામાં આવતા ટ્રેક્ટરોના મોટાભાગના ચાલકો પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ જ ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વલસાડ-પારડી માર્ગ પર કચરો ભરેલું ટ્રેક્ટર પલટી જવાની તાજેતરની ઘટના બાદ સ્થાનિકોમાં પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની તાલીમ કે લાયસન્સ વગરના ચાલકો બેફામ ગતિઍ ટ્રેક્ટરો દોડાવી રહ્ના છે. આ અણઘડ ડ્રાઇવિંગના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્ના છે. પારડી નજીક બનેલી પલટી જવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો આ જ સ્થિતિ રહી તો નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોઍ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. ઍજન્સી માત્ર નફો રળવા માટે સસ્તા દરે બિનઅનુભવી અને લાયસન્સ વગરના લોકોને ભારે વાહનો સોંપી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. પાલિકાની મીઠી નજર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઍજન્સીના વાહનો અને તેના ડ્રાઇવરોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં સદંતર નિષ્ફળતા મળી છે.
વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી આવા તમામ વાહનોના કાગળો, ફિટનેસ અને ડ્રાઇવિંગ લાયસન્સની સઘન તપાસ કરવામાં આવે, બિન-લાયસન્સ ટ્રેક્ટર ચાલકો સામે ટ્રાફિક વિભાગ કડક દંડકીય કાર્યવાહી કરે અને નિયમોનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરી કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તેવી શહેરીજનો પ્રબળ માંગ કરી રહ્ના છે.
