ઉમરગામના મરોલી-દાંડીના માછીમારની દરિયામાં પડી જતાં ગુમ
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૯ ઃ ઉમરગામ તાલુકાના મરોલી ગામના - દાંડી વિસ્તારનો માછીમાર દરિયામાં માછીમારી દરમિયાન પાણીમાં પડી જતાં ગુમ થયાની ઘટના સામે આવી છે. જેને લઈ ગામમાં ચિંતાનો માહોલ છે. આ અંગે મળતી માહિતી મુજબ મરોલી-દાંડી ગામના રહેવાસી જયંતિ નારણ બારી (ઉં.વ. ૬૦) આજે સવારે ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં અન્ય પાંચ સાથી માછીમારો સાથે બોટમાં માછીમારી કરવા માટે ગયા હતા. તેઓ કિનારાથી આશરે બે નોટિકલ માઈલ અંદર દરિયામાં જાળ ફેલાવી રહ્ના હતાં તે દરમિયાન અચાન સંતુલન ગુમાવતા જયંતિભાઈ દરિયાના પાણીમાં પડી ગયા હતાં. સાથી માછીમારોઍ તાત્કાલિક તેમને બચાવવા માટે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાણીના તેજ વહેણને કારણે તેઓ દેખાતા બંધ થઈ ગયા હતા. જયંતિભાઈ ન મળી આવતા સાથી માછીમારોઍ મોબાઈલ દ્વારા તેમના પરિવારજનો, સરકારી તંત્ર અને મરીન પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ મરીન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોડી સાંજ સુધી જયંતિભાઈ બારીની કોઈ ભાળ ન મળતા તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને ગમગીની જોવા મળી રહી છે.
