સોનવાડામાં હાઈવે પર ઊડતી ધૂળથી ગ્રામજનો ત્રાહિમામ
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ તાલુકાના સોનવાડા ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-૪૮ પર ઊડતી ધૂળ અને માટીના કારણે ગ્રામજનોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર સમસ્યાને લઈને સોનવાડા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ધીરૂભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે-૪૮ પર ઓવરબ્રિજ આવેલો છે. ચોમાસા દરમિયાન તેમજ વારંવાર ઓવરબ્રિજના બંને તરફના માર્ગો પર મોટા-મોટા ખાડાઓ પડી જાય છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને રોજિંદા ધોરણે અકસ્માત અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓનું કાયમી પુરાણ કરવાને બદલે માત્ર માટી તેમજ જી.ઍસ.બી. જેવી કાચી સામગ્રી નાંખીને વેઠ ઉતારવામાં આવી રહી છે. પરિણામે વાહનોની અવરજવરથી ધૂળના મોટા ગોટા ઊડીને સીધા આસપાસના ઘરોમાં પ્રવેશી રહ્ના છે. ઘરના વડીલો, બાળકો સહિતના ગ્રામજનો શ્વાસ, ખાંસી અને ઍલર્જી જેવી વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્ના છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે હાઇવે ઓથોરિટીને આ અંગે વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. જેથી આખરે કંટાળીને ગ્રામજનોઍ કલેક્ટર કચેરીઍ દોડી જઈ આવેદન પત્ર સોંપ્યું છે. ગ્રામજનોઍ માંગ કરી છે કે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાને રાખીને રસ્તાનું કાયમી ડામર પેચવર્ક કરવામાં આવે અને ધૂળ ઊડતી અટકાવવા યોગ્ય પગલાં ભરાય, અન્યથા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
