બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં અંતિમ સોમવારે શિવભકતો ઉમટયા
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૭ ઃ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ઐતિહાસિક બીલીમોરા સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
રવિવાર વહેલી સવારથી શરૂ થયેલો ભક્તિનો અવિરત પ્રવાહ સોમવારે આખો દિવસ યથાવત્ રહ્ના હતો. હજારો શ્રદ્ધાળુઓઍ કતારબદ્ધ ઊભા રહીને દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર, પુષ્પો અને જલાભિષેક અર્પણ કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા. ભોળાનાથના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર શિવમય અને ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. દર્શનની સાથે સાથે મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય લોકમેળામાં પણ માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. પરિવારો અને યુવાવર્ગે મન મૂકીને મેળાની મોજ માણી હતી.
ખાસ કરીને જલપરી અને કૂકુ ડ્રેગન પાર્ક, નાવડી, બ્રેકડાઉન, ડ્રેગન અને જ્યુસર જેવી આધુનિક રાઇડ્સમાં સવારી કરી લોકોઍ રોમાંચક અનુભવ લીધો હતો. ખાનપાનના સ્ટોલ અને રમકડાંની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.
જેના કારણે સમગ્ર પરિસરમાં ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો.
